પરપ્રાંતી બાવાઓની આપખુદશાહી હદ વટાવી રહી છે, પંરપરાગત પૂજારીઓ અને સ્થાનિક લોકો મંદિરના વહીવટથી નારાજ
વડોદરા: ડભોઇ જિલ્લાના કરનાળી સ્થિત પવિત્ર તીર્થધામ કુબેર ભંડારી મંદિરમાં પરપ્રાંતી બાવાઓએ વહીવટ સંભાળ્યો ત્યારબાદ અહીં સતત વિવાદો સામે આવી રહ્યા છે. આ બાવાઓએ એટલે હદે પરિસ્થિતિ ખરાબ કરી દીધી છે કે લાખો લોકોની શ્રદ્ધાના કેન્દ્ર એવા આ મંદિર સાથે જોડાયેલા પૂજારીઓ અને સ્થાનિક લોકો મંદિરના વહીવટથી ભારે નારાજ છે. આ વિવાદો વચ્ચે વરિષ્ઠ આગેવાન પરિંદુ ભગત ઉર્ફે કાકુજીએ પણ મંદિરના ટ્રસ્ટી પદેથી રાજીનામું આપી દીધું હોવાનું જાણવા મળે છે.
નર્મદા કિનારાના પવિત્ર તીર્થધામ એવા કુબેર ભંડારી મંદિર સાથે દેશના કરોડો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. અમાસના દિવસે દેશભરમાંથી લાખો લોકો અહીં દર્શન માટે ઉમટે છે. પરંતુ આ પવિત્ર સ્થાન હવે કેટલાક પરપ્રાંતિ લોકોના કારણે સતત વિવાદોમાં આવી રહ્યું છે. અહીં વર્ષોથી સેવા આપતા સ્થાનિક પૂજારીઓ અને કર્મચારીઓને હટાવી પરપ્રાંતી લોકોને ઘુસાડવાની પેરવી ચાલી રહી છે. થોડા સમય પહેલા વર્ષોથી પરંપરાગત રીતે સેવા કરતા સ્થાનિક પૂજારીઓને બાઉન્સરો મારફત ધક્કા મારી કાઢી મૂકવામાં આવ્યા હતા. ન્યાય તંત્રના હસ્તક્ષેપ બાદ આ પૂજારીઓ ફરી સેવામાં સામેલ કરવાની સંચાલકોને ફરજ પડી છે. મંદિરનું ફંડ અન્ય અખાડાઓના ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવતું હોવાનો પણ વિવાદ છે. આ બધા વિવાદો વચ્ચે મંદિરના ટ્રસ્ટીપદેથી પરિંદુ ભગત ઉર્ફે કાકુજીએ રાજીનામુ આપી દીધું હોવાનું જાણવા મળે છે. આ વિસ્તારના ખૂબ જ સન્માનનીય એવા આગેવાન કાકુજીના રાજીનામાથી આ મંદિરનો વહીવટ ફરી વિવાદમાં આવી ગયો છે.
* કેટલાક બાવાઓની હરકતો કેમેરામાં કેદ થઈ હતી
આ મંદિરના વહીવટ સાથે સંકળાયેલા કેટલાક પરપ્રાંતિ બાવાઓ નો ભૂતકાળ વિવાદાસ્પદ રહ્યો છે. કેટલાક બાવાઓની અશોભનીય વિડિઓ ક્લિપ પણ થોડા સમય પહેલા ફરતી થઈ હતી. આવા લોકોના વહીવટને કારણે અહીંના લોકોએ ભારે દુઃખ સાથે આ પવિત્ર મંદિરમાં પણ જવાનું બંધ કરી દીધું છે.