Nasvadi

કુપ્પા ગામની સગર્ભાને પ્રસૂતિના દુઃખાવા વચ્ચે 2 કિમી કાચા રસ્તે સ્ટ્રેચરમાં ઉચકી લઈ જવી પડી

નસવાડીના છેવાડા ગામમાં વિકાસનો અભાવ બેનકાબ

નસવાડી: નસવાડી તાલુકાના ડુંગરાળ અને છેવાડા વિસ્તારમાં આવેલ કુપ્પા ગામમાં વિકાસના દાવાઓ ફરી એકવાર ખોખલા સાબિત થયા છે. આઝાદી બાદના વર્ષો પસાર થયા છતાં આજે પણ કુપ્પા ગામ સુધી પહોંચવા માટે પાકા રસ્તાની સુવિધા નથી, જેના કારણે એક સગર્ભા મહિલાને જીવના જોખમે સારવાર સુધી પહોંચાડવાની કરૂણ ઘટના સામે આવી છે.

કુપ્પા ગામની રમીલાબેન દિનેશભાઈ ડુંગરાભીલ, જેઓ પ્રથમવાર સગર્ભા હતી, તેમને અચાનક પ્રસૂતિના દુઃખાવા ઉપડતા ઘરે જ પ્રસૂતિ થઈ ગઈ હતી અને બાળકને જન્મ આપ્યો હતો. પ્રસૂતિ બાદ માતા અને નવજાત શિશુની તબિયત વધુ લથડતાં તેમને દુગ્ધા સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવાની ફરજ પડી.
પરંતુ કુપ્પા ગામ સુધી 108 એમ્બ્યુલન્સ પહોંચી શકતી ન હોવાથી, પરિવારજનો અને ગ્રામજનોએ રાત્રિના સમયે બેટરીના અજવાળા વચ્ચે સગર્ભા મહિલાને સ્ટ્રેચરમાં ઉચકી બે કિલોમીટર કાચા અને ઢાળવાળા રસ્તે પગપાળા ચાલીને સાકડીબારી ગામે ઉભેલી 108 એમ્બ્યુલન્સ સુધી મહામુસીબતે પહોંચાડ્યા હતા. પ્રસૂતિ બાદના તીવ્ર દુઃખાવામાં મહિલા કણસતી હતી, જ્યારે અંધારા, પથ્થરોથી ભરેલા રસ્તા અને ખભા પરના ભારે વજનને કારણે યુવાનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
જ્યારે તંત્રના જવાબદાર અધિકારીઓ રાત્રીની નિંદ્રા માણી રહ્યા હતા, ત્યારે આ પરિવાર પ્રસૂતિ વાળી મહિલાને જીવના જોખમે લઈ જઈ રહ્યો હતો. દુગ્ધા ખાતે હાલ મહિલા અને બાળકને સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે.
વિકાસની ગુલબાંગો વચ્ચે આજે પણ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ અને નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારોમાં કાચા રસ્તાઓને કારણે અનેક વખત પ્રસૂતિ વેળાએ મહિલાઓને ઝોળી કે સ્ટ્રેચરમાં ઉચકી લઈ જવાની ઘટનાઓ સામે આવી છે. ઝોળીની જગ્યાએ સ્ટ્રેચર આવી ગયું છે, પરંતુ પરિસ્થિતિ આજે પણ એ જ છે. હવે સવાલ એ છે કે વિકાસની વાતો કરતા નેતાઓ કુપ્પા જેવા છેવાડાના ગામોની ક્યારે મુલાકાત લેશે અને ગ્રામજનોને પાકા રસ્તાની સુવિધા ક્યારે મળશે?

રિપોર્ટર: સરવેઝ મેમણ

Most Popular

To Top