ફતેગંજ બ્રિજ નજીક મંગળવારે રાત્રે દારૂના ધંધાને લઇને જૂની દુશ્મનાવટનો ઝગડો
હેરી ગંભીર રીતે ઘાયલ, હોસ્પિટલમાં સારવાર હેઠળ, પોલીસની કામગીરી પર સ્થાનિકોમાં પ્રશ્નાર્થ

શહેરમાં ક્રાઈમ રેટમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે અને પોલીસ તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે. તાજેતરમાં ફતેગંજ બ્રિજ નજીક એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં કુખ્યાત ગુનાહિત ગેંગસ્ટર અલ્પુ સિંધી અને તેની ગેંગે બુટલેગર હેરી પર જીવલેણ હુમલો કર્યો છે.
મંગળવારે રાત્રે ફતેગંજ બ્રિજ પર અલ્પુ સિંધી અને તેની ગેંગે હેરી પર હુમલો કર્યો હતો. હેરી, જે વર્ષોથી દારૂના ધંધામાં સંકળાયેલ છે, તે આ હુમલાનો શિકાર બન્યો હતો. અલ્પુ સિંધીએ વરસિયામાં રહેતો હેરીને માર મારી ધમકી આપી હતી કે જ્યાં સુધી તે જીવી રહ્યો છે, ત્યાં સુધી કોઈએ પણ તેની મંજૂરી વગર વડોદરામાં દારૂનો ધંધો કરવાનો અધિકાર નહીં મળે. અલ્પુ સિંધીએ કહ્યું કે જ્યારે તે જેલમાં હતો, ત્યારે હેરીએ દારૂનો ધંધો કર્યો હતો અને જે પણ કમાણી થઈ છે તે રૂપિયા તેને ચુકવવા પડશે નહીં તો તેની જાન લઈ લેશે.
આ ધમકી બાદ કુખ્યાત ગેંગસ્ટર, અને અનેક ગંભીર ગુનાહ ધરાવતો બુટલેગર અલ્પુ સિંધી અને તેની ગેંગે હેરી પર જીવલેણ હુમલો કર્યો, જેમાં હેરી ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યાર બાદ ઘટનાસ્થળેથી અલ્પુ સિંધી અને તેના સાથીઓ ફરાર થઈ ગયા હતા. હેરીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તે સારવાર હેઠળ છે, અને તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરા શહેરમાં શાંતિ અને સુરક્ષા માટે ચિંતાજનક સંકેત …
આ ઘટના વડોદરાના ફતેગંજ વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા માટે ચિંતાજનક સંકેત છે. સ્થાનિક લોકો અને વેપારીઓમાં ભયનો માહોલ છે . પોલીસ તંત્ર તરફથી તાકીદના પગલાંની અપેક્ષા છે. આ કિસ્સામાં આરોપીને ઝડપી અને અસરકારક કાર્યવાહી કરવાની જરૂર છે જેથી શહેરમાં શાંતિ અને સુરક્ષા પુનઃસ્થાપિત કરી શકાય.