Bharuch

કીમ–અંકલેશ્વર એક્સપ્રેસ-વે પર મુસાફરી માટે હજુ એક અઠવાડિયું રાહ જોવી પડશે

રોડનું સિમેન્ટ કોન્ક્રીટ કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, પરંતુ હજી કેટલાક નાના કામો બાકી હોવાથી માર્ગ ખોલવામાં વિલંબ
નવું વર્ષ 2026માં શુભમૂર્હતે માર્ગ ખુલવાની સંભાવના

ભરૂચ, તા. 31

દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ-વેના વડોદરા–મુંબઈ વિભાગના પેકેજ-5 અંતર્ગત આવતો કીમ–દહેગામ (અંકલેશ્વર નજીક) સ્ટ્રેચ શરૂ કરવા પૂર્વે અંતિમ તૈયારીના ભાગરૂપે National Highways Authority of Indiaના રિજિયોનલ હેડ સુનિલ યાદવ દ્વારા 30 અને 31 ડિસેમ્બરે બે દિવસીય સાઇટ વિઝિટ કરવામાં આવી હતી. રોડનું સિમેન્ટ કોન્ક્રીટ કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, પરંતુ સલામતીને ધ્યાનમાં રાખીને હજી કેટલાક નાના કામો બાકી હોવાથી કીમ સુધી એક્સપ્રેસ-વે શરૂ કરવા એક અઠવાડિયાની વધુ રાહ જોવી પડશે.

મળતી માહિતી મુજબ, દહેગામથી કીમ સુધીનો માર્ગ લગભગ પૂર્ણ થઈ ગયો છે. જોકે રોડ પર પટ્ટા મારવાના, સેફટી બોર્ડ અને અન્ય સાઇનબોર્ડ લગાવવાના કામો બાકી છે. આ કારણસર અગાઉ 31 ડિસેમ્બરે રોડ શરૂ કરવાનો નિર્ણય અટકાવવામાં આવ્યો હતો. હવે આ બાકી કામગીરી 2026ના નવા વર્ષમાં પૂર્ણ કરીને શુભમૂર્હતે માર્ગ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવાની સંભાવના છે.

NHAI દ્વારા સલામતીને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને કામ ઝડપથી પૂર્ણ કરવા માટે આખી ટીમ ઉતારી દેવામાં આવી છે. અંદાજે 30 કિમી વિસ્તારમાં 300 જેટલા કામદારો, 10 બૂમર મશીન, 25 JCB અને 11 હિટાચી મશીનો રાત-દિવસ કામે લગાડવામાં આવ્યા છે. રોડ પર પટ્ટા મારવાનું કામ બુધવાર રાત્રે પૂરું થઈ જશે તેવી શક્યતા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

આ બાબતે ભરૂચના NHAI પ્રોજેક્ટ ડાયરેક્ટર એસ કે યાદવ સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવાયું હતું કે સિમેન્ટ કોન્ક્રીટનું મુખ્ય કામ પૂર્ણ થઈ ગયું છે. જોકે, એકાદ જગ્યાએ સ્ટ્રેન્થ સંબંધિત મુદ્દા હોવાથી તે તાત્કાલિક સુધારવામાં આવશે. તમામ સલામતી માપદંડો પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં કીમ–દહેગામ એક્સપ્રેસ-વે વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે.

એક્સપ્રેસ-વે શરૂ થતાં જ વડોદરા , ભરૂચ–અંકલેશ્વર વિસ્તારના વાહનચાલકોને ઝડપી અને સુવિધાજનક મુસાફરીનો લાભ મળશે તેમજ દિલ્હી–મુંબઈ માર્ગ પર ટ્રાફિકની ગતિને પણ વેગ મળશે.

Most Popular

To Top