Vadodara

કિશનવાડી શાકમાર્કેટ ખંડેરમાં ફેરવાયું : ડમ્પીંગ સાઇટની દુર્ગંધથી વેપાર ઠપ્પ, નાગરિકો ત્રાહીમામ

પાલિકાના પાપે ડમ્પીંગ સાઇટ સ્થાનિકો માટે નરકસમાન જીવનનું કારણ બની

કોર્પોરેશનના અણઘડ વહીવટના લીધે લાખો રૂપિયાના ખર્ચે બનેલું બજાર બિનઉપયોગી

વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનેલું શાકમાર્કેટ આજે ખંડેરમાં ફેરવાઈ ગયું છે. કારણ છે, તેની બાજુમાં આવેલી ડમ્પીંગ સાઇટ, જ્યાંથી 24 કલાક સતત દુર્ગંધ પ્રસરે છે. આ દુર્ગંધને કારણે ત્યાં ઊભા રહેવું મુશ્કેલ બન્યું છે, તો ત્યાં વેપાર ચલાવવો કેટલો અઘરો બની ગયો હશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ નથી. આ સ્થિતિને કારણે શાકમાર્કેટ ચાલુ રહેવાનો ભરોસો ગુમાવતો ગયો અને આજે એ ખાલી પડેલ સ્થળ અસામાજિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની ચૂક્યું છે. શાકભાજી વેચનારાઓ માટે આ માર્કેટ એક આશાનું કિરણ હતું. માર્ગ પરથી દૂર, વ્યવસ્થિત લાઇનમાં વેપાર થતો – પરંતુ આજની સ્થિતિ એવી છે કે, તેઓ ફરી રોડ પર ઊભા રહી શાકભાજી વેચવા મજબૂર બન્યા છે. આથી રસ્તા પર દબાણ વધ્યું છે, વાહન વ્યવહાર અસ્તવ્યસ્ત બન્યો છે અને સ્થાનિક લોકો માટે નવી મુશ્કેલીઓ ઊભી થઈ છે.

સ્થાનિક રહેવાસીઓના મતે, આ વિસ્તારમાં ડમ્પીંગ સાઇટ હોવી જ એ સૌથી મોટું અવરોધ છે. દુર્ગંધ, ગંદકી અને ચોમાસામાં થતી સમસ્યાઓના કારણે ન માત્ર રોગચાળો ફાટી નીકળવાનો ભય રહે છે, પરંતુ જીવન જીવવાનું પણ મુશ્કેલ બની જાય છે. છતા પાલિકા દ્વારા આ ડમ્પીંગ સાઇટને અન્યત્ર ખસેડવા કોઇ ગઠિત યોજના કે નક્કર પગલા લેવામાં આવતા નથી. આ વિસ્તારના વોર્ડ કાઉન્સિલર અને હાલમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને શહેરના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ્સ મંજૂર થાય છે. પરંતુ ચેરમેનના પોતાના વોર્ડની જ સ્થિતિ નરકસમાન છે. એજ લોકો જેમના માટે આ માર્કેટ બનાવાયું હતું, આજે પાલિકાના પાપે એ લોકો રોડ પર દબાણ કરી ધંધો કરવા મજબૂર બન્યા છે. આથી સ્થાનિકોમાં ગુસ્સો અને નિરાશા બંને વ્યાપી છે.

ડમ્પીંગ સાઇટને રહેવા યોગ્ય વિસ્તારની નજીક રાખવી એ વિકાસના વિપરીત છે. સ્માર્ટ સિટીની વાતો કરનારી પાલિકા માટે એ વિચારવાનું જરૂરી છે કે, વિકાસ માત્ર રસ્તાઓ, ગાર્ડન કે મોલ્સ સુધી સીમિત નથી, પરંતુ નાગરિકોના આરોગ્ય અને જીવનની ગુણવત્તા સુધારવી એ પણ વિકાસનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી શહેરના વિકાસના મુદ્દે ટકોર કરી ચૂક્યા છે ત્યારે પણ પાલિકાના શાસકોના વહીવટમાં ફેરફાર ન થવો, એ સામે અનેક સવાલો ઊભા કરે છે. કિશનવાડીના નાગરિકો હવે પુછે છે – આ મક્કમ ઉપાય ક્યારે થશે? ડમ્પીંગ સાઇટ દૂર ખસેડાશે? ખંડેર બની ગયેલું શાકમાર્કેટ ફરી જીવતું થશે? તેઓ ફરીથી તંદુરસ્ત અને સ્વચ્છ વાતાવરણમાં જીવવા લાયક બની શકશે? સ્થાનિકોના આ પ્રશ્નોનો જવાબ હવે પાલિકા અને તેના શાસકોને આપવો પડશે કેમ કે વિકાસ માત્ર વિઝન ડોક્યુમેન્ટમાં નહિ, જમીન પર દેખાવવો જોઈએ.


અન્ય વિસ્તારોને તાત્કાલિક જવાબ, કિશનવાડી માટે નિરસ તંત્ર

સોશિયલ મીડિયા પર જ્યારે શહેરના અન્ય વિસ્તારોના નાગરિકો ફરિયાદ કરે છે ત્યારે પાલિકા તત્કાલ જવાબ આપે છે અને કાર્યવાહી કરે છે. પરંતુ કિશનવાડી વિસ્તારના મધ્યમ અને ગરીબ વર્ગના નાગરિકો છેલ્લા ઘણા વર્ષોથી ફરિયાદ કરે છે પરંતુ તેમની ફરિયાદોનું કોઇ સંતોષકારક સમાધાન હાલ સુધી થયેલું નથી. એવું લાગે છે કે અહીંના નાગરિકોની પીડા માટે પાલિકાનું ‘પેટનું પાણી’ હલતું નથી. કિશનવાડી વિસ્તારના લોકોએ મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરી છતાં હજુ સુધી કોઈ નક્કર પગલા લેવાયા નથી.

Most Popular

To Top