( પ્રતિનિધિ) વડોદરા તા. 24
વડોદરા શહેરમાં લૂંટ ધાડ મારામારી, ખંડણી માંગવી, હત્યા, હત્યાનો પ્રયાસ સહિતના 165 જેટલા ગુનાઓમાં સંડોવાયેલી કાસમઆલા ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધીને આરોપીઓને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં 175મા દિવસે 9 આરોપી સામે 3500 પેજની ચાર્જશીટ દાખલ કરી છે. આગામી દિવસોમાં કેસની સુનાવણી હાથ ધરાશે.
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા કાસમઆલા કબ્રસ્તાન વિસ્તારમાં રહેતા હુસેન કાદરમીયા સુન્ની દ્વારા તેના 3 ભાઇ અકબર કાદરમીયા સુન્ની, સિકંદર કાદરમીયા સુન્ની અને હસન ઉર્ફે ઝાંઝર કાદરમીયા સુન્ની સહિત શાહિદ જાકીર શેખ, વસીમ યુસુફખાન પઠાણ, મોહમ્મદઅલીમ સલીમખાન પઠાણ, સુફીયાન સીકંદર પઠાણ અને ગની ઉસ્માનમીયા શેખે ભેગા કરીને 9 સભ્યોની ગેંગ ઉભી કરી હતી. આ ગેંગ દારૂની હેરાફેરી, હત્યાનો પ્રયાસ, લૂંટ, ખંડણી, રાયોટીંગ અને ચોરી જેવા ગંભીર પ્રકારના ગુનાઓને અંજામ આપતી હતી.જેથી વડોદરા શહેર પોલીસે આ ગેંગનો અતિશય ત્રાસ વધી જતા તેમના વિરુદ્ધ 1 જાન્યુઆરી 2025ના રોજ ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું હતું અને ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં 24 જૂનના રોજ 9 આરોપી સામે 3500 પેજની ચાર્જશીટ દાખલ કરી છે. આગામી દિવસોમાં આ કેસમાં જ સુનાવણી હાથ ધરવામાં આવશે.
ચાર્જશીટ મુજબ આ ગેંગે અવારનવાર ગુનાઓ આચરીને કુલ 164 ગુનાઓ આચર્યા છે અને 265 લોકોના નિવેદનો અને કેટલાક પુરાવાઓ પણ એકત્રિત કરવામાં આવ્યા છે. ગુજસીટોકના ગુના ની તપાસ કરનાર ડીસીપી એચ.એ. રાઠોડ દ્વારા ગુનાની ઊંડાણપૂર્વક તપાસ દરમિયાન 265 લોકોના નિવેદનો મેળવ્યા હતા આ ગુનામાં પકડાયેલા તમામ 9 આરોપીઓ વિરુદ્ધ વધુ 90 દિવસ તપાસ કરવા માટે સ્પે. ગુજસીટોક કોર્ટ, વડોદરા પાસેથી પણ મંજૂરી મેળવાઈ હતી હતી.
= આરોપીના નામ અને હાલ કઈ જેલમાં છે
હુસૈન કાદરમિયા સુન્ની- ડિસ્ટ્રિક્ટ જેલ, વલસાડ
અકબર કાદરમિયા સુન્ની- સ્પેશિયલ જેલ પાદરા, ભુજ
શાહિદ ઉર્ફે ભુરીયો જાકીરભાઈ- ડિસ્ટ્રિક્ટ જેલ, જામનગર
વસીમખાન ઉર્ફે બબલુ ઉર્ફે માજા યુસુફખાન પઠાણ- સેન્ટ્રલ જેલ, રાજકોટ
સિકંદર કાદરમિયા સુન્ની- સ્પેશિયલ જેલ, પોરબંદર
હસન ઉર્ફે ઝાંઝર કાદરમિયા સુન્ની- ડિસ્ટ્રિક્ટ જેલ, મહેસાણા
મોહમ્મદ અલી ઉર્ફે હલીમા સલીમખાન પઠાણ- ડિસ્ટ્રિક્ટ જેલ, જુનાગઢ
સુફિયાન સિકંદર પઠાણ- સેન્ટ્રલ જેલ, સુરત
ગની ઉર્ફે એરટેલ ઉસ્માનમીયા શેખ- ડિસ્ટ્રિક્ટ જેલ, ગાંધીધામ