Vadodara

કાશ્મીરથી વડોદરા સુધીનો અતૂટ વિશ્વાસ, 4 વર્ષના માસૂમની સારવાર માટે પરિવાર આવ્યો સયાજી હોસ્પિટલમાં

(પ્રતિનિધિ), વડોદરા. તા.10

જ્યારે સરહદો ઓળંગીને કોઈ માત્ર સારવારના ભરોસે હજારો કિલોમીટર દૂર આવે, ત્યારે સમજવું કે તે સંસ્થાએ સેવાનો પર્યાય બની ગઈ છે. જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપાર ગામનો એક પરિવાર પોતાના 4 વર્ષના માસૂમ બાળકને લઈને ફરી એકવાર વડોદરાની સયાજી હોસ્પિટલના દ્વારે આવ્યો છે. આ કિસ્સો માત્ર સારવારનો નથી, પરંતુ ગુજરાતની સરકારી આરોગ્ય સુવિધાઓ પરના અતૂટ વિશ્વાસની ગાથા છે. ઝમીર નજારના 4 વર્ષના પુત્રને ગળામાં અસહ્ય તકલીફ થતા પરિવાર ચિંતાતુર હતો. સ્થાનિક સ્તરે અનેક પ્રયાસો છતાં સંતોષ ન મળતા, પરિવારે ફરી ગુજરાત તરફ મીટ માંડી. સયાજી હોસ્પિટલના ઈએનટી (ENT) વિભાગના તબીબોએ તાત્કાલિક તપાસ કરી બાળકને ‘ટોનશીલ’ની બીમારી હોવાનું નિદાન કર્યું. સમય વેડફ્યા વિના તબીબોએ યોગ્ય સારવાર શરૂ કરી અને આજે તે બાળક તેના પિતા અને દાદીની નજર સામે સ્વસ્થ થઈ રહ્યું છે. આ પરિવાર માટે સયાજી હોસ્પિટલ કોઈ મંદિરથી ઓછી નથી. ગત વર્ષે પણ આ બાળકને હૃદયની ગંભીર બીમારીને કારણે વેન્ટિલેટર પર રાખવાની નોબત આવી હતી. એ સમયે સયાજીના તબીબોએ રાત-દિવસ જોયા વગર બાળકને મોતના મુખમાંથી બહાર કાઢ્યું હતું. એ જ આભારની લાગણી પરિવારને ફરી અહીં ખેંચી લાવી છે.

  • અમારા માટે ગુજરાતની આ સરકારી હોસ્પિટલ આશાનું કિરણ છે. અહીં જે પ્રકારની આધુનિક સુવિધાઓ અને ડોક્ટરોનો સહકાર મળે છે, તે કાશ્મીરમાં કદાચ સપનું છે. – ઝમીર નજાર (બાળકના પિતા).
    કાશ્મીરી પરિવારે ભાવુક થઈને જણાવ્યું હતું કે, ગુજરાતની સરકારી હોસ્પિટલો ખાનગી હોસ્પિટલોને ટક્કર આપે તેવી આધુનિક અને સુવિધાજનક છે. જો આવી જ અધ્યતન સારવાર જમ્મુ-કાશ્મીરમાં ઉપલબ્ધ થાય, તો સેંકડો પરિવારોએ આટલું લાંબુ અંતર કાપવું ન પડે. આ ઘટના એ વાતની સાક્ષી પૂરે છે કે ‘ગુજરાત મોડેલ’ માત્ર કાગળ પર નથી, પણ લોકોના હૃદયમાં અને તેમની આશામાં જીવંત છે. કાશ્મીરના બરફીલા પહાડોથી આવેલો આ પરિવાર આજે ગુજરાતના તબીબોના સેવાયજ્ઞને વંદન કરી રહ્યો છે.

Most Popular

To Top