અગાઉથી ચેતવણી મળ્યા છતાં કોઈ પગલાં ન લેવાતા બે દિવસમાં જ દુર્ઘટના બની, જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ
વડોદરા: વડોદરા શહેરના વોર્ડ નંબર 13માં કાશીવિશ્વનાથ તળાવના પાળી અને ફેન્સ ગંભીર રીતે ધરાશાયી થઈ ગયા છે. સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરોના મતે, આ પાળી જોખમી સ્થિતિમાં હોવા સંબંધી અહેવાલ તંત્રને અગાઉથી રજૂ કરવામાં આવ્યો હતો. માત્ર બે દિવસ પહેલાં જ આ અહેવાલ રજૂ કરાયો હતો, પરંતુ ભલે અહેવાલ રજૂ કરાયો હોય, તંત્ર દ્વારા કોઈ પણ પગલાં ન લેવાતા થોડા સમયમાં જ આ દુર્ઘટના બની ગઈ.

સ્થાનિકે જણાવ્યું હતું કે, “અમે સતત આ કાશીવિશ્વનાથ તળાવની પાળી અને ફેન્સીંગની સ્થિતિ વિશે ચેતવણી આપતા રહ્યા છીએ, પરંતુ કોઈ પણ અધિકારી આ બાબતે જવાબદારી લેતા નથી.”
સ્થાનિક નગરસેવક બાળુ સુર્વે જણાવ્યું કે, “જો સમયસર સુધારાત્મક કામગીરી કરવામાં આવી હોત તો આ દુર્ઘટના અટકાવી શકાતી હતી. આવી બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ સામે ક્યારે કાર્યવાહીઓ થશે?” આ તળાવ ની પાડી માટે અનેક વાર પાલિકા નું ધ્યાન દોર્યું છે. છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ તળાવમાં જો કોઈ પડી જાય તો જીવતો બહાર આવે તેવી શક્યતાઓ નથી. કારણકે આ તળાવમાં 15 થી વધુ મોટા મગરો છે. તેમ છતાં નિંદ્રાધીન સત્તા પક્ષ અને તેઓના માનીતા અધિકારીઓ માત્ર સ્માર્ટ સિટી અને કરોડોના પ્રોજેક્ટમાંથી બહાર નથી આવતા અને ટેક્ષ ભરતી જનતાને પ્રાથમિક સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ ગઈ છે.

કાશી વિશ્વનાથ તળાવ આસપાસના લોકોએ જણાવ્યું કે, “આવી બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ અને ભવિષ્યમાં આવા પ્રકરણો થતા અટકાવવા માટે સખત નિયંત્રણો લાગુ કરવા જોઈએ.” આ ઘટના પછી સ્થાનિક લોકો અને સામાજિક સંસ્થાઓએ સરકારી તંત્ર પર દબાણ વધાર્યું છે કે, કાશીવિશ્વનાથ તળાવની સુરક્ષા અને જાળવણી માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે.