Vadodara

કાવડયાત્રા પૂર્વે રસ્તા પરથી પથારા-લારીઓ હટાવાયા, ગેરકાયદેસર બાંધકામ તોડાયા

શહેરમાં દબાણ અને ગેરકાયદેસર બાંધકામ સામે મહાપાલિકાની મોટી કાર્યવાહી

વોર્ડ 15માં બંસીધર સોસાયટી, બાપોદ, વાઘોડીયા રોડ પાસે ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા

વડોદરા મહાનગરપાલિકાની દબાણ અને સિક્યુરિટી શાખા દ્વારા તા. 18-08-2025ના રોજ શહેરના અનેક વિસ્તારોમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પથારા, લારી-ગલ્લા તેમજ ગેરકાયદેસર બાંધકામ સામે પગલાં લેવાયા હતા. આ કામગીરી દરમિયાન અનેક સ્થળોએ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો અને વહીવટી ચાર્જ વસૂલાયો હતો. મહાનગરપાલિકાની ટીમે વોર્ડ 13 વિસ્તારમાં માર્કેટ ચાર રસ્તાથી સિદ્ધનાથ તળાવ માર્ગે જયરત્ન ચાર રસ્તા સુધી પથારાવાળાઓને હટાવ્યા હતા. માર્ગ પર ઉભેલા દબાણને કારણે અવરજવર મુશ્કેલ બની રહી હતી. કાર્યવાહી દરમિયાન પથારાવાળાઓ પાસેથી વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. અકોટા દાંડિયા બજાર ચાર રસ્તા નજીક પથારાવાળાઓને હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અહીં માર્ગ પરનો દબાણ દૂર કરીને એક ટ્રક સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.

કાવડયાત્રા નિમિત્તે શહેરના અનેક મુખ્ય માર્ગો પર દબાણ દૂર કરવા માટે ખાસ પગલાં લેવાયા હતા. બાલભવનથી કમાટીબાગ, ભીમનાથ બ્રીજ, અદાણીયા પુલથી ઠેકરનાથ, કિશનવાડીથી સંગમ ચાર રસ્તા, વડસર રોડથી જાગનાથ મહાદેવ અને કોટેશ્વર મહાદેવ સુધીના માર્ગ પરથી લારીઓ અને ગલ્લાના દબાણ હટાવવામાં આવ્યા હતા. કાવડયાત્રા દરમિયાન ભક્તો અને વાહનવ્યવહારને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ખાસ ધ્યાન રાખીને કાર્યવાહી હાથ ધરાઈ હતી. વોર્ડ 15માં આવેલા બંસીધર સોસાયટી, બાપોદ, વાઘોડીયા રોડ પાસે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરીમાં ટી.ડી.ઓ., બાપોદ પોલીસ સ્ટાફ અને એસ.આર.પી.ની ટીમ હાજર રહી હતી. સંયુક્ત કામગીરીથી ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે કે શહેરમાં દબાણ દૂર કરવા માટે સતત અભિયાન ચાલુ રહેશે. ગેરકાયદેસર દબાણ સામે નિયમિત રીતે કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ રસ્તા અને જાહેર સ્થળો પર ગેરકાયદેસર દબાણ ન કરે.

Most Popular

To Top