પ્રજાના પૈસા પાણીમાં! અટલાદરામાં ડિવાઈડરને સાફ કર્યા વિના જ રંગકામ;
વડોદરામાં યોજાનારી ‘યુનિટી માર્ચ’ને લઈને શહેરના માર્ગો પર સફાઈ અને રંગરોગાનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે અટલાદરા વિસ્તારમાં કોર્પોરેશનના એક બેજવાબદાર કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. રાતના અંધારામાં ડિવાઇડર પર રંગ રોગાનની કામગીરી દરમિયાન, કોન્ટ્રાક્ટર દ્વારા પ્રાથમિક સફાઈ કર્યા વિના જ ડિવાઈડર પર જામી ગયેલી ધૂળ અને ગંદકી ઉપર સીધો રંગ લગાવીને સરકારી કામમાં વેઠ ઉતારવામાં આવી રહી હતી. આ સમગ્ર ‘કાળું કામ’ કરતા કોન્ટ્રાક્ટરના માણસો સ્થાનિક જાગૃત રહીશો દ્વારા રંગે હાથ ઝડપાઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યોજાનારી યુનિટી માર્ચને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મુખ્ય માર્ગો પરના ડિવાઇડરને નવો રંગ આપવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. અટલાદરા વિસ્તારમાં રાત્રિના સમયે જ્યારે આ કામગીરી ચાલતી હતી, ત્યારે કોન્ટ્રાક્ટરના માણસોએ ડિવાઈડર પરથી ધૂળ કે માટી દૂર કરવાની તસ્દી સુદ્ધાં લીધી નહોતી. ડિવાઈડર પર વર્ષો જૂની ધૂળનું જાડું સ્તર જામી ગયું હોવા છતાં, તેના પર સીધો જ સફેદ અને કાળો રંગ લગાવીને કામ પતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, નિયમ પ્રમાણે રંગ લગાવતા પહેલા સપાટીને બરાબર સાફ કરવી અને પ્રાઈમર લગાવવું જરૂરી હોય છે, જેથી રંગ લાંબો સમય ટકી રહે. પરંતુ અહીં કોન્ટ્રાક્ટરે આ તમામ નિયમોને નેવે મૂકીને માત્ર ‘કાગળ પર’ કામ બતાવવા માટે વેઠ ઉતારી હતી.
સ્થાનિકોએ માંગ કરી છે કે કોર્પોરેશન તાત્કાલિક આ કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરે, લગાવેલા નબળા રંગને હટાવીને ફરીથી યોગ્ય રીતે કામગીરી કરાવે અને પ્રજાના પૈસાની થતી બરબાદી અટકાવે.

સ્થાનિક રહીશે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આ કોન્ટ્રાક્ટર માત્ર સરદાર સાહેબના નામે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માંગે છે. આ રંગ ગણતરીના દિવસોમાં જ ઉખડી જશે, કારણ કે તે ધૂળ પર લગાવવામાં આવ્યો છે. એક તરફ કોર્પોરેશન ગ્રાન્ટનો અભાવ હોવાનું રટણ કરે છે અને બીજી તરફ આ રીતે પ્રજાના પૈસાનું આંધણ કરવામાં આવે છે. આ તો સ્પષ્ટપણે જાહેર નાણાંનો દુરુપયોગ છે.”