બે સાબરસિંગ,બે જીવતા કાચબા પાણીના, હાથા જોડી,એક દિપડાનો નખ મળી આવ્યા :
ભુવાને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ :
( પ્રતિનિધી )વડોદરા,તા.19
વડોદરા જિલ્લાના પાદરા રેલ્વે સ્ટેશન પાસે રામનગરીમાં કાળીદાસ ભુવાના ત્યાં જીએસપીસીએ સંસ્થા અને વનવિભાગે રેડ કરી હતી. જેમાં ભુવા પાસેથી કાળી ચૌદશે વિધિમાં ઉપયોગમાં લેવાતા વન્ય જીવોના અવશેષો મળી આવતા તેને કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કાળી ચૌદસના દિવસે વિધિ કરે તે પહેલા જ જીએસપીસીએ સંસ્થા અને વન વિભાગની ટીમે રેડ કરી વન્યજીવોના અવશેષો કબજે કર્યા હતા. આ અંગે વડોદરાની ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના વોલીએન્ટર રમેશભાઈએ જણાવ્યું હતું કે અમને એક માહિતી હતી કે, એક ભુવાજી કાળીચૌદસના દિવસે વિધિ કરવાના છે.

જે અંગે વન વિભાગના ડીસીએફને જાણ કરવામાં આવી અને એસીએફના માર્ગદર્શન હેઠળ પાદરા ગામ રેલ્વે સ્ટેશન પાસે રામનગરીમાંથી કાળીદાસ ભુવાના ત્યાં તપાસ કરતા તેમની ત્યાંથી બે સાબરસિંગ, બે જીવતા કાચબા પાણીના, હાથા જોડી, એક દિપડા નો નખ એવી રીતે અવશેષો મળી આવેલા છે, તેઓને પાદરા રેન્જમાં લઈને આવવામાં આવ્યા હતા અને આજે કરજણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. આ ભુવાજી કાળી ચૌદશે વિધિ કરવાના હતા પણ એ પહેલા જ અમે સર્ચ કરતા આ બધો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આજે કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી હાથધરવામાં આવી છે.