ઘરે દીકરાની રાહ જોવાતી રહી અને રસ્તામાં કાળ ભરખી ગયો,
શહેરના માર્ગો કે યમરાજનો દરબાર ? અક્ષરચોક પાસે ડમ્પરના તોતિંગ વ્હીલ નીચે કચડાયું 20 વર્ષીય યુવાનનું ભવિષ્ય
વડોદરા : સંસ્કારી નગરીના રાજમાર્ગો ફરી એકવાર નિર્દોષના રક્તથી ખરડાયા છે. શહેરના અતિ વ્યસ્ત એવા અક્ષરચોક પાસે આજે સાંજના સમયે એક એવો ભયાનક અકસ્માત સર્જાયો કે જેણે જોનારાઓના કાળજા ધ્રુજાવી દીધા. પૂરપાટ ઝડપે જઈ રહેલા એક ડમ્પર ચાલકે બાઈક સવાર 20 વર્ષીય આશાસ્પદ યુવાનને એવી રીતે અડફેટે લીધો કે ક્ષણભરમાં જ એક હસતો-રમતો પરિવાર વિખેરાઈ ગયો. પાદરાના નવાપુરામાં રહેતો 20 વર્ષીય શ્રીજી ગાંધી શહેરની એલેમ્બિક કંપનીમાં નોકરી કરતો હતો. નાની ઉંમરે ઘરની જવાબદારી ખભે ઉપાડીને તે રોજની જેમ આજે પણ ફરજ બજાવીને ઘરે પરત ફરી રહ્યો હતો. પિતા અને પરિવારજનો ઘરે દીકરાની રાહ જોતા હતા, પરંતુ અક્ષરચોક પાસે કાળ બનીને આવેલા ડમ્પર ચાલકે શ્રીજીની બાઈકને અડફેટે લીધી. અકસ્માત એટલો ભીષણ હતો કે શ્રીજી સીધો ડમ્પરના આગળના તોતિંગ વ્હીલ નીચે ધસી ગયો હતો. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાંનું દ્રશ્ય જોઈને પથ્થર હૃદયના માનવીની આંખોમાં પણ આંસુ આવી જાય તેમ હતા. ડમ્પરના ટાયર નીચે કચડાઈ જવાને કારણે શ્રીજીનો ડાબો પગ તેના શરીરથી કપાઈને અલગ થઈ ગયો હતો. રસ્તો લોહીથી લથબથ હતો અને યુવાન લોહીના ખાબોચિયામાં તરફડી રહ્યો હતો. તાત્કાલિક 108 મારફતે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. એસ.એસ.જી. (સયાજી) હોસ્પિટલના તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કરતા જ હોસ્પિટલ સંકુલમાં આક્રંદ છવાઈ ગયું હતું. શ્રીજી હજુ તો પોતાની કારકિર્દીની શરૂઆત કરી રહ્યો હતો. તેના માતા-પિતાએ અનેક સપનાઓ જોયા હતા, પરંતુ અંધાધૂંધ વાહન ચલાવતા ડમ્પર ચાલકની બેદરકારીએ એક માસૂમનો જીવ લીધો છે. પાદરાના નવાપુરામાં આ સમાચાર પહોંચતા જ સમગ્ર પંથકમાં સન્નાટો વ્યાપી ગયો છે. એક જીવતા જાગતા જુવાનજોધ દીકરાની લાશ જોઈ પરિવાર ભાંગી પડ્યો છે. આ અકસ્માતે ફરી એકવાર શહેરના ટ્રાફિક અને ભારે વાહનોની ગતિ મર્યાદા સામે સવાલો ઉભા કર્યા છે. લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે, શું માર્ગો પર નિર્દોષોના બલિદાન આમ જ લેવાતા રહેશે ? પોલીસે હાલ ડમ્પર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ શ્રીજીના પરિવારને થયેલી ખોટ ક્યારેય પુરાશે નહીં.