પાસ-પરમિટ વગર લાકડાનું વહન કરતા ટ્રેક્ટર પર કાર્યવાહી
વન વિભાગને જાણ, ટ્રેક્ટર કબજે લઈ આગળની કાર્યવાહી શરૂ
કાલોલ:
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કાલોલના મામલતદાર વિકાસ પટેલ દ્વારા મલાવ ચોકડી પાસેથી ગેરકાયદેસર રીતે લાકડાનું વહન કરી રહેલા ટ્રેક્ટરને ઝડપી પાડવામાં આવ્યું છે, જેના કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મલાવ ચોકડી પાસેથી પસાર થઈ રહેલા ટ્રેક્ટર નંબર GJ-17-D-1726 અને ટ્રોલી નંબર GRY-6564ને અટકાવી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રોલીમાં મોટા પ્રમાણમાં લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. ટ્રેક્ટર ચાલક પાસે આ લાકડાના પરિવહન માટે જરૂરી કોઈ પણ સત્તાવાર પાસ-પરમિટ ન હોવાનું સામે આવતા મામલતદાર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યવાહી દરમિયાન ટ્રેક્ટર અને લાકડાનો જથ્થો કબજે કરી કાલોલ મામલતદાર કચેરી ખાતે મુકવામાં આવ્યો છે. સાથે જ વન વિભાગ અને સંબંધિત વિભાગોને જાણ કરી આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
મામલતદારની આ ઓચિંતી કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર લાકડાના વહન કરતા તત્વોમાં ભયનો માહોલ સર્જાયો હોવાનું જાણવા મળે છે.
રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા