Kalol

કાલોલ પોલીસે ગોમ નદી કિનારે ક્રિકેટ સટ્ટો રમાડતો ઈસમ ઝડપી પાડ્યો

બિગ બેસ લીગ પર મોબાઈલ મારફતે જુગાર, ત્રણ મોબાઈલ સહિત મુદ્દામાલ કબજે

કાલોલ |

કાલોલ પોલીસે ચોક્કસ બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી ગોમા નદીના કિનારે ઝાડી–ઝાખરાની ખુલ્લી જગ્યામાં ક્રિકેટનો સટ્ટો રમાડતા એક ઈસમને ઝડપી પાડ્યો છે. આ કેસમાં કુલ બે શખ્સો સામે જુગારધારા મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, કાલોલની આશિયાના સોસાયટી પાછળ ગોમા નદીના કિનારે હાલમાં રમાઈ રહેલી બિગ બેસ લીગ 2025/26ની સિડની સિક્સર્સ અને બ્રિસબેન હીટ વચ્ચેની મેચમાં પ્રત્યેક ખેલાડીના પ્રદર્શન તેમજ ટીમની હાર–જીત પર મોબાઈલ ફોનના માધ્યમથી કાગળમાં આંકડા લખી જુગાર રમાડવામાં આવી રહ્યો હતો.

પોલીસે મુસ્તુફાખાન હૈદરખાન પઠાણ, રહે. સડક ફળિયા, કાલોલને ઝડપી પાડ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે આરોપી કાગળમાં બોલર–બેટ્સમેનની વિગત તથા બોલવાઈઝ સ્કોર લખતો હતો.

એક મોબાઈલમાં Cricket Guru App દ્વારા લાઈવ મેચ જોઈ રહ્યો હતો

બીજા મોબાઈલમાં Zoom App મારફતે ગ્રાહકો સાથે ભાવતાલ નક્કી કરતો હતો

ત્રીજા મોબાઈલમાં Cricket Mazza App પર મેચ ચાલુ હતી


પોલીસે રૂ. 15,000 કિંમતના ત્રણ મોબાઈલ, રૂ. 2,950 રોકડા અને સટ્ટાના કાગળો મુદ્દામાલ તરીકે કબજે કર્યા છે. પૂછપરછ દરમિયાન આરોપીએ આ સટ્ટો મુક્તિયાર મકસુદ મલેક, રહે. કરીમ કોલોની, હાલોલના નામે લખાવતો હોવાનું સ્વીકાર્યું હતું.

આ મામલે કાલોલ પોલીસે બંને આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર : વીરેન્દ્ર મહેતા, કાલોલ

Most Popular

To Top