મહિલા કાઉન્સિલર સહિત 5 સામે ગંભીર કલમો હેઠળ ફરિયાદ, શહેરમાં ચકચાર
(પ્રતિનિધિ), કાલોલ |
કાલોલમાં પોલીસની ફરજમાં રૂકાવટ કરી અપમાનજનક શબ્દો બોલવા, ઝપાઝપી અને હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. ટ્રાફિક નિયમન દરમિયાન મહિલા કોન્સ્ટેબલ પર હુમલો થતાં તેમને હાથમાં ફ્રેક્ચર આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે મહિલા કાઉન્સિલર સહિત કુલ 5 આરોપીઓ સામે કાયદેસર ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મંગળવારે કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર PI આર.ડી. ભરવાડ અને સ્ટાફ એમજીએસ ગરનાળા પાસે ટ્રાફિક ચેકિંગમાં હતા. તે દરમિયાન GJ-07-AR-4950 નંબરની ફોર-વ્હીલ કાર કાળા કાચ અને આગળ દંડા સાથે ઝડપથી પસાર થઈ. ઊભા રહેવાનો ઇશારો છતાં કાર ન રોકતા પોલીસે સરકારી વાહનથી પીછો કરી કાલોલ કોર્ટ પાસે અટકાવી.
કાર ચાલક પ્રતીક જોષીએ ગાળાગાળી કરી અને સાથે બેઠેલા નેહાબેન પાઠક તથા વર્ષાબેન જોષીએ અશોભનીય વર્તન કર્યું હોવાનો આક્ષેપ છે. ઘટના દરમિયાન ટ્રાફિક જામ થયો અને લોકો એકત્ર થયા. ત્યારબાદ કાલોલ નગરપાલિકાના કાઉન્સિલર તથા કારોબારી અધ્યક્ષ જ્યોત્સનાબેન બેલદાર સ્થળે પહોંચ્યા અને પોલીસ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદ મુજબ, કાઉન્સિલરે સ્વીફ્ટ કારની ચાવી કાઢી લીધી, ધમકીઓ આપી અને મહિલા કોન્સ્ટેબલ સુનીતાબેન તથા શિલ્પાબેન સાથે ઝપાઝપી કરી, જેમાં એક મહિલા કોન્સ્ટેબલને હાથમાં ગંભીર ઇજા થઈ. બાદમાં પોલીસ સ્ટેશનમાં પણ ઉદ્ધતાઈ અને અપમાનજનક વર્તન કરાયું હોવાનો આક્ષેપ છે.
આ મામલે પ્રતીક જોષી, વર્ષાબેન, નેહાબેન, પ્રિયંકાબેન અને જ્યોત્સનાબેન—એમ પાંચ સામે BNS કલમ 281, 189(2), 221, 121(1), 121(2), 132, 352, 351(2) હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે પ્રતીક જોષીની અટકાયત કરી છે, જ્યારે અન્ય ચાર મહિલાઓ ધરપકડથી બચવા માટે અજ્ઞાત સ્થળે ગઈ હોવાની માહિતી છે.
ઘટનાના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલો ટોક ઓફ ટાઉન બન્યો છે. બીજી તરફ, કાઉન્સિલર જ્યોત્સનાબેન બેલદારનું કહેવું છે કે તેઓ પરિવારને દવાખાને લઈ જઈ રહ્યા હતા અને પોલીસ દ્વારા હેરાનગતિ થઈ; પોતે નિર્દોષ હોવાનું તેમણે જણાવ્યું છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરાઈ છે.
રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા