Kalol

કાલોલ નીલકંઠ કોલેજમાં ડમી પરીક્ષાર્થી ઝડપાયો, બે સામે પોલીસ ફરિયાદ

મિત્રની જગ્યાએ પરીક્ષા આપવા આવ્યો હતો યુવક, ઓળખ ચકાસતા ભાંડો ફૂટ્યો
યુનિવર્સિટી સૂચના મુજબ બંને વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહી શરૂ

કાલોલ:
કાલોલની નીલકંઠ કોલેજ ખાતે યુનિવર્સિટી પરીક્ષા દરમિયાન ડમી પરીક્ષાર્થી ઝડપાતા ચકચાર મચી ગઈ છે. બીએ સેમેસ્ટર–6ની પરીક્ષા દરમિયાન અન્ય વિદ્યાર્થીની જગ્યાએ પરીક્ષા આપતો યુવક ઝડપાયો હતો. આ મામલે કોલેજ તંત્ર દ્વારા યુનિવર્સિટીને જાણ કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, નીલકંઠ કોલેજમાં આજે સવારે 10થી 12 દરમિયાન બીએ સેમ–6, બીએસડબલ્યુ–6, બીઆરએસ–6 અને એમએસડબલ્યુ–4ની પરીક્ષાઓ ચાલી રહી હતી. તે દરમિયાન બીએ સેમ–6ના અભીજ્ઞાન સાકુંતલમ વિષયના પેપર દરમિયાન બ્લોક નંબર–4માં 28 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા.
સ્થળ સંચાલક દેવેન્દ્રસિંહ ચૌહાણે બીજા નંબરની પાટલી પર બેઠેલા પરીક્ષાર્થી અંગે શંકા જતા તેની ઓળખ ચકાસણી કરી હતી. પૂછપરછ દરમિયાન પરીક્ષાર્થીએ પોતાનું નામ રાહુલકુમાર વિજયસિંહ ચૌહાણ (કાનપુર, તાલુકો ઘોઘંબા) હોવાનું જણાવ્યું હતું, જ્યારે રિસીપ્ટ પર નામ રાજેશભાઈ કડવાભાઈ ડામોર (ખાનપુરના મુવાડા, તાલુકો ફતેપુરા, જિલ્લો દાહોદ) હોવાનું નોંધાયું હતું.
આગળની તપાસમાં જાણવા મળ્યું હતું કે મૂળ પરીક્ષાર્થી રાજેશભાઈ ડામોર સુરતમાં બીજી પરીક્ષા આપવા ગયા હતા અને તેમની જગ્યાએ મિત્ર તરીકે રાહુલકુમાર પરીક્ષા આપવા આવ્યો હતો.
ઘટનાની જાણ ઈન્ચાર્જ પ્રિન્સિપાલ દેવેન્દ્રસિંહ રણછોડભાઈ ચૌહાણ દ્વારા યુનિવર્સિટી નિરીક્ષકને કરવામાં આવી હતી. યુનિવર્સિટી સૂચના મુજબ કાલોલ પોલીસ મથકે ડમી પરીક્ષા આપનાર રાહુલકુમાર વિજયસિંહ ચૌહાણ તથા મૂળ પરીક્ષાર્થી રાજેશભાઈ કડવાભાઈ ડામોર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા

Most Popular

To Top