(પ્રતિનિધિ) કાલોલ
કાલોલ તાલુકાના એક ગામમાં રહેતા પરિવારની સગીર દીકરીને ભગાડી લઈ જવાના ગંભીર બનાવમાં કાલોલ પોલીસ મથકે અપહરણ તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, તા. ૧૫/૧૨/૨૫ના રોજ રાત્રિના સમયે સગીરાને પત્ની તરીકે રાખવા તથા શારીરિક શોષણ કરવાના ઈરાદે આરોપી સૂરપાલસિંહ અજીતસિંહ પરમાર (રહે. ચોર્યાના મુવાડા, તા. સાવલી) દ્વારા સગીરાને લલચાવી-ફોસલાવી તેના કાયદેસર વાલીપણામાંથી ભગાડી જવામાં આવી હતી.
ઘટનાની જાણ થતા સગીરાના વાલીએ તાત્કાલિક કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ભારતીય દંડ સંહિતા હેઠળ અપહરણ તેમજ પોક્સો એક્ટની કલમો મુજબ ગુનો દાખલ કરી લીધો છે.
કાલોલ પોલીસ દ્વારા સગીરાની શોધખોળ તેમજ આરોપીની ધરપકડ માટે તપાસનો દોર ઝડપી બનાવવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈ તમામ પાસાઓથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને વહેલી તકે આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.