એક ગંભીર રીતે ઘાયલ, માતાને પણ ઇજા – પોલીસ ફરિયાદ નોંધાઈ
કાલોલ | કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે મેસરી નદીમાંથી રેતી ભરવાના વિવાદને લઈ ઉગ્ર ઝઘડો થયો હતો. આ ઝઘડામાં એક વ્યક્તિ પર ધારીયા વડે હુમલો કરવામાં આવતા ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ગોધરા તાલુકાના વેરૈયા ગામના અજયકુમાર રમેશભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ, મોટી કાનોડ ગામે રહેતા કમલેશકુમાર પ્રવિણસિંહ ચૌહાણે ફરીયાદીના ભાઈ કમલેશભાઈ રમેશભાઈ પરમારને “અમારી બાજુમાંથી મેસરી નદીમાંથી રેતી ભરવી નહીં” કહી મા-બહેન સમાણી ગાળો આપી હતી. બાદમાં ગડદાપાટુનો માર માર્યો હતો અને હાથમાં ધારેલા ધારીયાથી જમણા પગે ઢીંચણની નીચે હુમલો કરતા ચામડી કપાઈ લોહી વહેવા લાગ્યું હતું.
માતાને પણ ઇજા, જાનથી મારી નાખવાની ધમકી
આ ઘટનામાં આરોપીએ ફરીયાદીની માતા ચંદ્રીકાબેનના જમણા હાથનો અંગુઠો મચકોડી ઇજા પહોંચાડી હતી. સાથે જ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
કાલોલ પોલીસે ગુનો નોંધ્યો
ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ કાલોલ પોલીસે આરોપી કમલેશકુમાર પ્રવિણસિંહ ચૌહાણ વિરુદ્ધ પોલીસ મથકે ગુનો નોંધ્યો છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.