Kalol

કાલોલ : અંબાલાલ પાર્ક સોસાયટીમાંથી અવરજવર અટકાવવા માગતી વચગાળાની મનાઈ અરજી કોર્ટ દ્વારા ફગાવાઈ

કાલોલ:
કાલોલ શહેરની અંબાલાલ પાર્ક સોસાયટી વિસ્તારમાંથી પ્રતિવાદીઓને અવરજવર કરતા રોકવા માટે દાખલ કરાયેલી વચગાળાની મનાઈ અરજીને કાલોલની પ્રિન્સીપલ સિનિયર સિવિલ જજ કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવી છે.
કાલોલના અંબાલાલ ચંદુભાઈ પટેલ દ્વારા પ્રિન્સીપલ સિનિયર સિવિલ જજ કોર્ટમાં (૧) રાવજીભાઈ શનાભાઈ પટેલ, (૨) મહેન્દ્રભાઈ શનાભાઈ પટેલ, (૩) ચીફ ઓફિસર – કાલોલ નગરપાલિકા, (૪) મામલતદાર કાલોલ તથા (૫) કલેક્ટર પંચમહાલ સામે સિવિલ દાવો દાખલ કરવામાં આવ્યો હતો.
વાદીએ પોતાની માલિકીની સર્વે નંબર ૩૯૧ (જુનો સર્વે નં. ૧૧૦/૨) પર નિર્મિત અંબાલાલ પાર્ક સોસાયટીમાં કુલ ૧૭ રહેણાંક મકાન હોવાની તેમજ એક કોમન પ્લોટમાંથી તમામ પ્લોટધારકો માટે અવરજવરનો રસ્તો હોવાની દલીલ કરી હતી. વાદી દ્વારા આ રસ્તા પર પાટિયા અને દિવાલ બનાવી અવરોધ ઉભો કરાતા પ્રતિવાદીઓની સર્વે નંબર ૩૯૦ની જમીનમાં જવા-આવવાનો એકમાત્ર રસ્તો બંધ થતો હોવાનું મુદ્દો સામે આવ્યો હતો.
વાદીએ દાવો કર્યો હતો કે પ્રતિવાદીઓએ ખોટા દસ્તાવેજોના આધારે કલેક્ટર કચેરીમાંથી ખોટો હુકમ મેળવ્યો છે અને તેથી પોતાની જમીનમાંથી અવરજવર અટકાવવા માટે વચગાળાની મનાઈ હુકમ માંગ્યો હતો.
આ અગાઉ વર્ષ ૨૦૨૪માં અંબાલાલ પાર્ક-૧ સોસાયટીના રહીશોએ અન્ય સોસાયટીમાં જવાના રસ્તા પર ફેન્સિંગ અને દિવાલ ઊભી કરી હતી, જેના વિરોધમાં મહેન્દ્રભાઈ શનાભાઈ પટેલ દ્વારા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં તા. ૨૯-૦૬-૨૦૨૪ના રોજ તમામ લોકો માટે રસ્તાનો ઉપયોગ ખુલ્લો રાખવા દિવાલ દૂર કરવાની સૂચના આપવામાં આવી હતી. તે અન્વયે કાલોલ નગરપાલિકાને કલેક્ટર કચેરી દ્વારા લેખિત જાણ કરાઈ હતી.
પછી કાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરે તા. ૦૯-૦૭-૨૦૨૪ના રોજ ત્રણ દિવસમાં દિવાલ દૂર કરવાની નોટિસ આપી હતી. સમયમર્યાદા પૂર્ણ થતાં તા. ૧૫-૦૭-૨૦૨૪ના રોજ નગરપાલિકા સ્ટાફ, નાયબ મામલતદાર, સર્કલ મામલતદાર અને પોલીસ સ્ટાફની હાજરીમાં દિવાલ તોડી નાખવામાં આવી હતી. આ જ દિવસે વાદીએ રેગ્યુલર સિવિલ દાવો નં. ૪૭/૨૦૨૪ દાખલ કર્યો હતો.
દાવાની સુનાવણી દરમ્યાન પ્રતિવાદીઓ તરફે એડવોકેટ પી.પી. સોલંકી હાજર રહ્યા હતા. તેમણે તા. ૨૦-૦૮-૨૦૨૨ના રોજ નોટરી સમક્ષ સહી કરેલી સંમતિ, રસ્તાના નકશા અને મંજૂર પ્લાન સહિતના પુરાવા રજૂ કર્યા હતા. સાથે જ વાદી દ્વારા કરાયેલા દબાણના ફોટા, દબાણ દૂર કર્યા બાદની સ્થિતિ તથા નગરપાલિકાએ સ્વાગત કાર્યક્રમમાં આપેલો જવાબ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યો હતો.
તમામ દલીલો અને પુરાવાઓના આધારે કાલોલના પ્રિન્સીપલ સિનિયર સિવિલ જજ એફ.બી. પઠાણે વાદીની વચગાળાની મનાઈ અરજી નામંજુર કરી છે.

રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા

Most Popular

To Top