ત્રી દિવસીય કાર્યક્રમમાં પંચગીતના રસપાનથી વૈષ્ણવો ભાવવિભોર
કાલોલ :
કાલોલ ખાતે પુષ્ટિમાર્ગીય શ્રી સુધા સત્સંગ મંડળ તથા સ્વ. મંજુલાબેન જગમોહનદાસ શાહ આચાર્ય નિવાસના 19મા પાટોત્સવ નિમિત્તે ત્રી દિવસીય ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાલોલ દશા મોઢ વણિક સમાજની વાડીમાં શુક્રવારથી રવિવાર સુધી ચાલેલા આ કાર્યક્રમમાં બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધી વિવિધ ધાર્મિક પ્રવચન અને સંગીતમય સત્સંગ યોજાયા હતા.

આ મહોત્સવ દરમિયાન શુદ્ધાદ્વૈત શ્રી વલ્લભગૃહ પીઠના વૈષ્ણવાચાર્ય ગૌ. 108 શ્રી રાજેશકુમારજી મહારાજ તથા પૂ. પા. ગો. 108 શ્રી કુંજેશકુમારજી મહારાજ ,વહુજી મહારાજની પાવન ઉપસ્થિતિ રહી હતી. પૂ. પા. ગૌ. 108 ચી. સાનિધ્યકુમારજી મહોદયના મંગલ કંઠે પંચગીતનું રસપાન કરાવવામાં આવ્યું હતું, જેમાં ડો. નિરાલી સોનીના સંગીતની સુમધુર સુરાવલીએ સમગ્ર માહોલને ભક્તિમય બનાવી દીધો હતો.
શ્રીમદ્ ભાગવતના દસમ સ્કંધમાં સમાવિષ્ટ પંચગીત—યુગલ ગીત, વેણુગીત, ભ્રમર ગીત, ગોપી ગીત અને પ્રણય ગીત—ના રસપાનનો આ બીજો દિવસ હતો. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં વૈષ્ણવોએ ઉપસ્થિત રહી આધ્યાત્મિક આનંદ અને ભક્તિરસનો લાભ લીધો હતો.
ત્રણ દિવસીય પાટોત્સવ દરમિયાન સત્સંગ, કીર્તન અને શાસ્ત્રોક્ત પ્રવચનો દ્વારા ભક્તોમાં પુષ્ટિમાર્ગીય ભાવના વધુ દૃઢ બની હતી. આયોજકો દ્વારા આ સફળ આયોજન બદલ તમામ સહયોગીઓને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.