Kalol

કાલોલમાં ‘નેત્રમ વિશ્વાસ પ્રોજેક્ટ–૨’નો શુભારંભ

એસપી હરીશ દુધાતના હસ્તે ૩ નવા રૂમનું લોકાર્પણ, ૮૫ સીસીટીવી કેમેરાથી નગર ત્રીજી આંખ હેઠળ
કાલોલ, તા. 15-02-2026
કાલોલ નગરની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત અને આધુનિક બનાવવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા અમલમાં મૂકાયેલા ‘નેત્રમ વિશ્વાસ પ્રોજેક્ટ–૨’ અંતર્ગત કાલોલ પોલીસ સ્ટેશન ખાતે લોકભાગીદારીથી નિર્મિત ત્રણ નવા રૂમોનું લોકાર્પણ પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હરીશ દુધાતના હસ્તે રિબન કાપી કરવામાં આવ્યું હતું.

આ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર કાલોલ નગર અને આસપાસના હાઈવે વિસ્તારમાં સુરક્ષા અને ટ્રાફિક નિયંત્રણ માટે ૧૫ વ્યૂહાત્મક સ્થળોએ કુલ ૮૫ હાઈ-ક્વોલિટી સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે. હિંમતપુરા બસ સ્ટેન્ડ હાઈવે, એમજીએસ ચોકડી, ડેરોલ સ્ટેશન, જીઆઇડીસી વિસ્તાર, બસ સ્ટેશન, ભાથીજી મંદિર, કસ્બા વિસ્તાર, મહાલક્ષ્મી ચોક, ત્રણ ફાનસ, નગરપાલિકા ફુવારા ચોક, બોરુચોકડી, હીરો કંપની, મલાવ ચોકડી સહિતના વિસ્તારો હવે સતત નજર હેઠળ રહેશે.
આ ૩૬૦ ડિગ્રી ફેરવી શકાય તેવા કેમેરાઓ દ્વારા નગરના આંતરિક વિસ્તારો તેમજ હાઈવે પર સતત મોનિટરિંગ થશે, જેના કારણે ચોરી, લૂંટફાટ, ગુનાખોરી અને ટ્રાફિક સમસ્યાઓ પર અસરકારક રીતે કાબૂ મેળવી શકાશે. હાલોલ ડીવાયએસપી વી.જે. રાઠોડે જણાવ્યું કે આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ગુનાખોરી અટકાવવો અને ટ્રાફિક મેનેજમેન્ટને આધુનિક બનાવવાનો છે.
કાર્યક્રમમાં હાલોલ ડીવાયએસપી વી.જે. રાઠોડ, કાલોલ સિનિયર પીઆઈ આર.ડી. ભરવાડ, સિનિયર પીએસઆઈ એલ.એ. પરમાર, પીએસઆઈ પી.કે. ક્રિશ્ચિયન, એસઓજી પીઆઈ પટેલ સહિત પોલીસ અધિકારીઓ, નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા, કોર્પોરેટરો અને આ પ્રોજેક્ટમાં આર્થિક સહયોગ આપનાર ૧૩ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. એસપી હરીશ દુધાતે જનભાગીદારીને બિરદાવતા દાતાઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કર્યા હતા.

રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા

Most Popular

To Top