બે દિવસમાં બીજી રેડ, 31 ડિસેમ્બરની ઉજવણી માટે દારૂ લવાયો હોવાની શંકા
રાજસ્થાનથી આવેલો જથ્થો, 9 ઈસમો સામે ગુનો નોંધાયો
(પ્રતિનિધિ) કાલોલ
31 ડિસેમ્બરની ઉજવણીને અનુલક્ષી બૂટલેગરો સક્રિય બનતા હોવાના સંકેતો વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કાલોલ પંથકમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે કાલોલના વિકસતા બોરુ ટર્નિંગ વિસ્તારમાં આવેલા એક શોપિંગ સેન્ટરની ભાડાની દુકાનમાં રેડ કરી રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આખું કન્ટેનર ભરીને દારૂનો જથ્થો લાવવામાં આવ્યો હતો અને કન્ટેનર ખાલી થતો હતો તે સમયેજ SMCની ટીમ ત્રાટકી હતી. દારૂના ખાખી પૂઠાં બદલીને અન્ય સામાનના પેકિંગ જેવી દેખાતી પેટીઓમાં ભરવામાં આવ્યો હતો જેથી કોઈને શંકા ન જાય. કાર્યવાહી બાદ કાલોલ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ખાલી ખાખી પેટીઓના ઢગલા જોવા મળ્યા હતા.
પોલીસે સ્થળ પરથી ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે. ગણતરીમાં કુલ 1500 પેટીઓ, અંદાજે 72,000 બોટલ દારૂ (રૂ. 1.60 કરોડ), રૂ. 20 લાખનું કન્ટેનર અને ત્રણ મોબાઈલ (રૂ. 15 હજાર) સહિત કુલ રૂ. 1.80 કરોડનો પ્રોહીબિશન મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પૂછપરછમાં દારૂનો જથ્થો રાજસ્થાનથી મોકલાયો હોવાનું ખુલ્યું છે. પોલીસે કુલ 9 ઈસમો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ દેલોલ નજીકથી પણ SMC દ્વારા રૂ. 7.56 લાખનો દારૂ ઝડપાયો હતો. સતત બીજી રેડમા જંગી જથ્થો ઝડપાતા સમગ્ર પંચમહાલ જિલ્લા પોલીસમાં હડકંપ મચી ગયો છે.