Vadodara

કાલોલના બોડીદ્રા ગામે 30 દિવસથી પીવાનું પાણી બંધ

પાઈપલાઈન કામમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે ગ્રામજનોનું TDOને આવેદનપત્ર

ગુજરાત મિત્ર ન્યુઝ
કાલોલ :;

કાલોલ તાલુકાના બોડીદ્રા ગામમાં છેલ્લા 30 દિવસથી પીવાનું પાણી બંધ રહેતા ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. પીવાના પાણીની સમસ્યા અંગે અનેક વખત રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા અંતે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

📌 ડેરીવાળા ફળીયામાં પાઈપલાઈન કામ થયા વગર સરકારી નાણાં ઉપાડી લીધાનો આરોપ

બોડીદ્રા ગ્રામ પંચાયતમા લાંબા સમયથી ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે. ડેરીવાળા ફળીયામાં પાઈપલાઈનનું કામ સ્થળ પર કર્યા વિના જ ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ પસાર કરી સરકારી નાણાં ખોટા બીલ બનાવી ઉપાડી લેવાયા હોવાનો ગંભીર આરોપ છે.

📄 ઓનલાઈન વેબસાઈટ પર ખોટા બિલ દર્શાવ્યા હોવાનો ખુલાસો

પ્રાપ્ત વિગતો મુજબ તારીખ 19/09/2025ના રોજ ગ્રામ પંચાયતની ઓનલાઈન વેબસાઈટ પર

રૂ. 47,870/-

રૂ. 1,11,573/-


કુલ રૂ. 1.59 લાખના બિલ દર્શાવવામાં આવ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ આ બિલ સંપૂર્ણપણે ખોટા છે અને સ્થળ પર કોઈ પાઈપલાઈનનું કામ કરવામાં આવ્યું નથી. ડેરીવાળા ફળીયામાં છેલ્લા એક મહીનાથી પાણી બંધ છે અને છેલ્લા 30 વર્ષમાં કોઈ પાઈપલાઈન બદલવામાં આવી નથી.

🚱 40 જેટલા મકાનોમાં પીવાના પાણી માટે ગંભીર સંકટ

ડેરીવાળા ફળીયામાં અંદાજે 40 જેટલા મકાનો આવેલ છે, જ્યાં રોજિંદા વપરાશ તેમજ પીવા માટેનું પાણી સંપૂર્ણ રીતે બંધ હાલતમાં છે. મહિલાઓ અને બાળકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.

📞 સરપંચ અને તલાટી પાસે રજૂઆત છતાં ઉકેલ નહીં

ગ્રામજનોએ સરપંચ તેમજ તલાટી-કમ-મંત્રીને મૌખિક અને ટેલિફોનિક રજૂઆતો કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જવાબદાર અધિકારીઓની ઉદાસીનતા સામે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે.

🕵️‍♂️ સ્થળ તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ

ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને આપેલા આવેદનપત્રમાં સ્થળ પર તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની અને તાત્કાલિક પીવાનું પાણી શરૂ કરવાની માંગ ઉઠાવી છે.

Most Popular

To Top