પીંગળી પંથકમાંથી મહુડા સહિતના વૃક્ષો કોઈપણ મંજૂરી વગર કાપવામાં આવી રહ્યા છે, મલાવ રોડ ઉપર તેમજ નર્મદા કેનાલ પર બેફામ વૃક્ષ કટીંગ
કાલોલ: કાલોલ તાલુકાના પીંગળી તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતા લાકડાના સોદાગર બેફામ જાહેરમા કટીંગ કરી લાકડા ભરી જતા જોવા મળ્યા હતા. આ લોકો કાલોલ તાલુકાના ગામડાઓમાંથી બેફામ રીતે વૃક્ષોનું છેદન કરી રોજે રોજ પર્યાવરણને નુકસાન પહોંચાડવાનું કાર્ય કરી રહ્યા છે. વૃક્ષ છેદકો ગ્રામ્ય વિસ્તારોમાંથી કોઈપણ મંજૂરી વગર સોદાગીરી કરી ઉભા વૃક્ષોને જમીન દોસ કરી ખુલ્લેઆમ ટ્રેક્ટરરોમાં લીલા વૃક્ષોના ટુકડા કરી જાહેર રોડ પર નીકળી લાકડાઓ ભરેલા વાહનો સો મીલોમાં ખાલી કરતા હોય છે. વહેલી સવારથી જ લીલા વૃક્ષોને જમીનદોસ્ત કરવા શ્રમજીવીઓને કુહાડીઓ અને ઓટોમેટીક મશીનો લઈ કામે વળગાડી દઈ સાંજ સુધી ઓવરલોડ ટ્રેક્ટર ભરી શ્રમજીવીઓને જોખમી રીતે લાકડા ભરેલા ટ્રેક્ટર ઉપર બેસાડી રવાના કરતા હોય છે. પીંગળી તથા આજુબાજુના વિસ્તારોમાં દિવસ અને દિવસે લાકડાના સોદાગર વધી રહ્યા છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડવાનું કાર્ય કરી રહ્યા છે. ત્યારે પીગળી તળાવની પાળ ઉપરથી મહુડા સહિત અનેક વૃક્ષો ભરેલા ટ્રેક્ટર પસાર થઈ રહ્યા છે.
પ્રાથમિક માહિતી અનુસાર આ ટ્રેક્ટર પીગળી તથા આજુબાજુના ગામડાઓમાંથી ભરવામાં આવે છે અને કાનોડ થઈ વેજલપુર થઈ ગોધરાની સો મિલોમાં ખાલી કરવામાં આવી રહ્યા છે. કાલોલ નર્મદા કેનાલ પરથી તેમજ મલાવ રોડ ઉપરથી મશીનો વડે વૃક્ષો કાપી બિનધાસ્ત રીતે હાઈવે ઉપર લાકડા ભરેલા વાહનો પસાર થતા હોય છે પણ જવાબદાર તંત્ર કોઈ પગલા ભરતું નથી.લાકડા ભરેલા વાહનોની લગોલગ પાયલોટિંગ કરવામાં આવે છે. ત્યારે પર્યાવરણનુ નિકંદન કરતા લાકડાના સોદાગર ઉપર સ્થાનિક તંત્ર કે જવાબદાર અધિકારીઓ કાયદેસરના પગલાં ભરશે કે નહીં જેવી લોકમૂખે ચર્ચા થઈ રહી છે.