હાથવગી રકમમાંથી મોટો ખર્ચ થયાની કમિશનરે સ્થાયી સમિતિને આપી વિગત
વડોદરા: શહેરમાં પડતા ભંગાણોના કારણે પાલિકાના ખજાનાં પર ભારે બોજો આવી રહ્યો છે. તાજેતરમાં કાલાઘોડા વિસ્તારના APS પ્રીમાઈસિસમાં તથા મુજમહુડા તરફ જવાના માર્ગ પર પડેલા ભંગાણોને દુરસ્ત કરવા પાછળ પાલિકાને રૂપિયા 34.35 લાખ ખર્ચ કરવા પડ્યા છે. આ વિશેની હકીકત વડોદરા મ્યુનિસિપલ કમિશનરે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરી છે.
વોર્ડ-13 વિસ્તારમાં કાલાઘોડા APSની પરિસરમાં હયાત ડ્રેનેજ ગ્રેવીટી લાઇન પર પડેલા ભંગાણની દુરસ્તી સહિતની કામગીરી જી.પી.એમ.સી. એકટની કલમ 67/3/સી હેઠળ હાથ ધરાઈ હતી. આ કામગીરી કોન્ટ્રાકટર ભવેશ આર. પંડયા પાસેથી પૂર્ણ કરાવવામાં આવી હતી. તેના બદલામાં જિલ્લા ખજાનાથી કુલ રૂપિયા 16,17,925 અને તેની પર લાગુ જીએસટી સહિતનો ખર્ચ થયો હોવાનું જાણવા મળ્યું છે.
વોર્ડ-12 વિસ્તારમાં અકોટા દાંડીયા બજાર બ્રિજથી મુજમહુડા તરફ જવાના મુખ્ય રસ્તા પર, બીએસયુપી મકાનોના ગેટ સામે હયાત ટૂંક સુવર ગ્રેવીટી લાઇન પર પડેલા ભંગાણે પણ નાગરિકોને પરેશાન કર્યા હતા. આ ભંગાણની દુરસ્તી તથા તેની આનુષંગિક કામગીરી માટે જી.પી.એમ.સી. એકટની જ કલમ હેઠળ ઈજારદાર ભવેશ પંડયાને જ કાર્ય સોંપવામાં આવ્યું. આ દુરસ્તી પાછળ કુલ રૂપિયા 18,16,095 તથા જીએસટીનો ખર્ચ થયો હતો.
સ્થાયી સમિતિમાં આ બંને ભંગાણ દુરસ્તી કાર્યો પાછળના ખર્ચની વિગતો મ્યુનિસિપલ કમિશનરે સ્થાયી સમિતિને જાણમાં લીધી છે. બંને સ્થળે મળીને કુલ રૂપિયા 34 લાખથી વધુ ખર્ચ થયો છે.