Vadodara

કાર પર પોલીસનું સ્ટીકર લગાવનાર માલિક-ડ્રાઇવર વિરૂદ્ધ ગુનો નોંધાયો

વડોદરા તારીખ 12

વડોદરા શહેરમાં ઘણા વાહન ચાલકો પોલીસમાં ન હોવા છતાં પણ પોતાની બાઇક તથા ફોર વ્હીલ સહિતના વાહનો પર પોલીસ તથા પ્રેસ લખાવીને બિન્દાસ્ત રીતે ફરી પોલીસની આંખમાં ધૂળ નાખતા રહેતા હોય છે. ત્યારે સેન્ટ્રલ પોલીસ નામનું સ્ટીકર લગાવી કાર ચલાવતા માલિક તથા તેના ડ્રાઇવ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસથી બચવા માટે ઘણા લોકો હાલમાં પોતાના વાહનો પર ગેરકાયદે પોલીસ તથા પ્રેસ લખાવી ફરતા હોય છે અને ઘણા લોકો તો અન્ય સાથે રોફ પણ મારતા રહેતા હોવાના અગાઉ કિસ્સા પણ બની ચુકયા છે. ત્યારે આવો એક કિસ્સો વાસણા રોડ પર સામે આવ્યો છે.

વડોદરાના વાસણા રોડ પર આવેલી ન્યુ નારાયણ નગર સોસાયટીમાં રહેતા ચેતન પ્રકાશ નાવાણીનો ગેલ ઇન્ડિયા કંપનીમાં કારનો કોન્ટ્રાક્ટ ચાલે છે. જેમાં તેઓએ ગેલ કંપનીમાંથી સીઆઇએસએફ અધિકારીને લેવા મુકવા માટે જતા હોય છે. ત્યારે માલિક તો ક્યારે ડ્રાઇવર તેમને કંપનીમાંથી ઘરે છોડવા તથા લેવા માટે જાય છે. જેથી તેઓએ પોલીસ તેમને રોકે નહી માટે તેમની કારની આગળ અને પાછળના ભાગે સેન્ટ્રલ પોલીસનું સ્ટીકર લગાડી દીધુ હતું. કાર ચાલક અમિત રમણીકલાલ દવે ( રહે.અમૃત એવન્યુ, વાસણા રોડ વડોદરા)એ 10 ઓક્ટોબરના રોજ વાસણા રોડ અમૃત એવન્યુના પાર્કીંગમાં સીઆઇએસએફ અધિકારી કારમાં હાજર ન હોવા છતાં નિયમ વિરુધ્ધ કારની આગળ પાછળના ભાગે કાચ ઉપર સેન્ટ્રલ પોલીસનું સ્ટીકર લગાવી રાખ્યું હતું. જેથી જેપી રોડ પોલીસે ગેરકાયદે સેન્ટ્રલ પોલીસના નામનો દુરઉપયોગ કરનાર કાર માલિક ચેતન નાવાણી અને ડ્રાઇવર અમિત દવે વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top