છાતીમાં ગંભીર ઇજાઓએ કારણે યુવાને જીવ ગુમાવ્યો કારમાં સવાર મૃતકની પત્ની અને ત્રણ બાળકીઓને પણ ઈજા પહોંચી
વડોદરા: પાદરા નજીક સાણપુર મોંભા રોડ ઉપર પરિવારજનો સાથે પરત ફરતા ચાલકની કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. કારની એરબેગ ખુલી જવા છતાં છાતીમાં સ્ટેરીંગ વાગવાના કારણે જીવલેણ ઈજાઓ પહોંચી હતી. આંતરિક ઈજાઓના કારણે જુવાનજોધ કારચાલકનું કરુણ મોત થયું હતું.
પોલીસ સુત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર તુષાર દિનેશભાઈ પટેલ (રહે: આશિષ બગલો નાયરા પેટ્રોલ પંપ પાસે અટલાદરા) તેમના પત્ની પ્રિયંકાબેન, મોટી પુત્રી ક્રિષ્ના, નાની પુત્રી આરવી તેમજ કાકાના પુત્ર જીગ્નેશભાઈની પુત્રી ધાર્મિ કાર લઈને સાણપુર ખાતે રહેતા તેમના માતા-પિતાને મળવા ગયા હતા. ઘરમાં નવચંડી યજ્ઞનો પવિત્ર પ્રસંગ પણ હતો અને તેમના માતા-પિતા પ્રવાસે જવાના હોવાથી પરિવાર મળવા ગયો હતો. દિવસ દરમિયાન રંગે ચંગે ધાર્મિક વિધિ પતાવીને સહ પરિવાર વડોદરા આવી રહ્યો હતો . ત્યારે ઘરથી અડધા કિલોમીટર નજીકના અંતરે અચાનક તુષારભાઈએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ધડાકાભેર કાર તોતિંગ ઝાડ સાથે અથડાઈ હતી. બનાવના પગલે વાતાવરણ કરુણ ચીસોથી ગાજી ઉઠ્યું હતું. ઝાડ સાથે અથડાવાના કારણે કારની ખુલી ગઈ હતી તેમ છતાં પણ બેરિંગ છાતીમાં વાગવાના કારણે આંતરિક ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અકસ્માતની જાણ ગણતરીની પળોમા જ પરિવારજનોને હતા ઘટના સ્થળે દોડી ગયા હતા. તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા જેમાં તુષારભાઈ ને હૃદય તથા પાંસળીઓમાં ગંભીર ઇજાઓ પહોંચી હોવાના કારણે મોતને ભેટ્યા હતા. પરિવારજનોએ ખેદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મરનાર તુષારભાઈને આખા શરીરમાંથી એક પણ ટીપું લોહી નીકળ્યું ન હતું છતાં મોત નીપજ્યું હતું. મૃતક યુવાન જીઆઇડીસીઓની કંપનીઓમાં લેબર સપ્લાયનું કામ કરીને આજીવીકા રડતો હતો. બે નાની પુત્રીઓ અને પત્નીને વિલાપ કરતા ઘરનો મોભી મોતની પછેડી ઓઢીને કાયમ માટે સૂઈ જતા પરિવારજનોમાં શોકની કાલીમા છવાઈ ગઈ હતી.