Vadodara

કારેલીબાગ સ્વામિનારાયણ મંદિરે કાઢ્યું ‘વૃક્ષોનું નિકંદન’, 15થી વધુ ઘટાદાર વૃક્ષો પર ફેરવી દેવાઈ કુહાડી

પાલિકાની બેધારી નીતિ છતી, સામાન્ય જનતાને ડાળી કાપવા માટે ધક્કા ખવડાવતી ‘પાર્ક એન્ડ ગાર્ડન’ શાખા વગદારો સામે નતમસ્તક ?

પક્ષીઓના આશિયાના છીનવાયા, ગરમીમાં છાંયડો આપતા રસ્તાના રખેવાળોનું રાતોરાત નિકંદન કાઢવામાં આવ્યું

મંદિર સંચાલકોની દાદાગીરી, વૃક્ષછેદનનો વિરોધ કરનારા જાગૃત નાગરિકોને સત્તાના જોરે ધમકાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ

(પ્રતિનિધિ), વડોદરા. તા.30

વડોદરા :- એક તરફ જ્યારે આખું વિશ્વ ગ્લોબલ વોર્મિંગની ઝપેટમાં છે અને વડોદરાનું તાપમાન 40 ડિગ્રીને આંબી રહ્યું છે, ત્યારે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં એક અત્યંત શરમનાક અને આઘાતજનક ઘટના પ્રકાશમાં આવી છે. કારેલીબાગ સ્થિત સ્વામિનારાયણ મંદિરના સંચાલકો દ્વારા રસ્તાની વચ્ચે આવેલા ડિવાઈડર પર શોભતા 15થી વધુ વર્ષો જૂના અને ઘટાદાર વૃક્ષોને રાતોરાત કાપી નાખીને પર્યાવરણનો સોથ વાળી દેવામાં આવ્યો છે. આ મામલે શહેરના પર્યાવરણપ્રેમીઓ અને સ્થાનિક રહીશોમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બેધારી નીતિ અહીં છતી થઈ છે. શહેરનો કોઈ સામાન્ય નાગરિક જો પોતાના ઘરના આંગણે નડતરરૂપ ડાળી કાપવા માટે ‘પાર્ક એન્ડ ગાર્ડન’ શાખામાં અરજી કરે, તો તેને મહિનાઓ સુધી ધક્કા ખવડાવવામાં આવે છે અથવા તો મસમોટો દંડ ફટકારવામાં આવે છે. તો પછી સવાલ એ ઉભો થાય છે કે, જાહેર મિલકત ગણાતા ડિવાઈડર પરના આટલા બધા વૃક્ષો કાપવાની પરવાનગી મંદિરના સંચાલકોને કોણે આપી ? શું પાલિકાના અધિકારીઓ મંદિરના વગદાર સંચાલકો સામે નતમસ્તક થઈ ગયા છે ?

એપ્રિલ અને મે મહિનાની કાળઝાળ ગરમીમાં જ્યારે પશુ-પંખીઓ આ વૃક્ષોના છાંયડા નીચે આશરો લેતા હતા, ત્યારે આ નિર્દયી કૃત્ય કરવામાં આવ્યું છે. આ વૃક્ષો કપાતા અનેક પક્ષીઓના માળાઓ વેરવિખેર થઈ ગયા છે. શું ધર્મ સંસ્થાઓનું કામ સૃષ્ટિનું જતન કરવાનું નથી ? શું પરમાત્માની ભક્તિ કરતાં આ સંચાલકોને મૂંગા જીવો અને પ્રકૃતિની હાય નહીં લાગે ?

જ્યારે આ વૃક્ષો કપાતા હતા, ત્યારે એક જાગૃત નાગરિકે પર્યાવરણની રક્ષા કાજે અવાજ ઉઠાવ્યો હતો. પરંતુ, આરોપ છે કે મંદિરના સંચાલકોએ નમ્રતાથી જવાબ આપવાને બદલે સત્તાના જોરે દાદાગીરી કરી હતી. વિરોધ કરનારાઓને ધમકાવવામાં આવ્યા અને એવું પ્રતિત કરાવવામાં આવ્યું કે તેઓ કાયદાથી ઉપર છે. સંસ્કારી નગરીમાં આવી ‘ગુંડાબંધી’ ચલાવી લેવાય નહીં. સામાજિક કાર્યકરે મંદિરના સંચાલકો ને કહ્યું હતું કે આટલા વર્ષોથી અહીંયા આ ઝાડ ઉગાડવામાં આવ્યા હતાં. તમારે જો ઝાડ કાપવા જ હતા તો બીજા અન્ય વૃક્ષો વાવીને એ વૃક્ષો મોટા થાય ત્યાર બાદ જૂના વૃક્ષોને કાપવા જોઈતા હતા.

બીજી બાજુ મંદિર સંચાલકોએ આ ઝાડ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને તે વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઈડ છોડતું હોવાથી અસ્થમાં જેવી શ્વાસ ની તકલીફો થાય છે. જેના કારણે અમે અહીંયાથી આ વૃક્ષો દૂર કર્યા હોય તેમ જણાવી પોતાની ભૂલને દબાવવાનો પ્રયાસ કર્યો હતો.

ત્યારે વડોદરાના નગરજનો સવાલો પૂછી રહ્યાં છે કે, પરવાનગી ક્યાં છે ? જો પાલિકાએ પરવાનગી આપી હોય, તો કયા મજબૂત કારણોસર 15થી વધુ લીલા વૃક્ષો કાપવાની મંજૂરી અપાઈ ? રાતોરાત નિકંદન કેમ ? શું મંદિરની સુંદરતા વધારવા માટે પર્યાવરણનું બલિદાન આપવું અનિવાર્ય હતું ? ટ્રી ઓથોરિટી ક્યાં ઊંઘે છે ? શું આ મામલે જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં ભરાશે કે પછી ભીનું સંકેલી લેવાશે ?

આ ઘટના માત્ર વૃક્ષો કાપવાની નથી, પણ વડોદરાની વરવી વાસ્તવિકતા છે કે અહીં નિયમો માત્ર ગરીબ અને મધ્યમ વર્ગ માટે જ છે. જો વડોદરાના પર્યાવરણને બચાવવું હશે, તો આવી વગદાર સંસ્થાઓ સામે કડક કાર્યવાહી થવી અનિવાર્ય છે. નાગરિકોની માંગ છે કે આ મામલે તાત્કાલિક ધોરણે FIR દાખલ કરવામાં આવે અને કાપેલા વૃક્ષોની સામે 150 નવા વૃક્ષો વાવવાની અને તેની જાળવણી કરવાની સજા સંસ્થાને ફટકારવામાં આવે.

આ માટે જ્યારે પાલિકાના પાર્ક એન્ડ ગાર્ડન શાખા ના ડાયરેક્ટર મંગેશ જયસ્વાલ નો સંપર્ક કરીને આ સમગ્ર મામલે વિગત માંગતા તેમણે જણાવ્યું હતું કે આ સમગ્ર ડિવાઇડરનું ડેવલોપિંગ કરવા માટે અમે સ્વામિનારાયણ મંદિર ને સોંપ્યું છે. પરંતુ મંદિર સંચાલકોએ વૃક્ષો કાપવાં માટેની પરવાનગી લીધી છે કે કેમ એ માહિતી ઉત્તર ઝોન ના આસી. ડાયરેક્ટર નિલેશકુમાર કે હડિયા પાસે મંગાવી છે.

Most Popular

To Top