પર્યાવરણ નાશ કે સુશોભન? કારેલીબાગમાં ડિવાઈડરના વૃક્ષો કાપવા મુદ્દે મંદિરના વહીવટદારો અને નાગરિક વચ્ચે ભારે સંઘર્ષ
વડોદરા: શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે રોડના ડિવાઈડર પર ઉગેલા વર્ષો જૂના વૃક્ષોને કાપવાની કામગીરીને લઈને આજે ભારે હોબાળો મચ્યો હતો. મંદિરના વહીવટદારો દ્વારા ડિવાઈડરના સુશોભન અને ડેવલપમેન્ટના નામે વૃક્ષો કાપવાની પ્રક્રિયા હાથ ધરાતા એક જાગૃત નાગરિકે સ્થળ પર પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે થોડીવાર માટે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

ઘટનાની વિગતો મુજબ, કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર દ્વારા મંદિરની સામેના રોડ પર આવેલા ડિવાઈડરનું ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ડિવાઈડર પરના સપ્તપર્ણી સહિતના અન્ય ઘટાદાર વૃક્ષોને કટર વડે કાપવાની શરૂઆત કરવામાં આવી હતી. રાહુલભાઈ નામના એક જાગૃત નાગરિકે આ કામગીરી અટકાવી હતી.

તેમનો આક્ષેપ છે કે, કોર્પોરેશન દ્વારા માત્ર ડેવલપમેન્ટની મંજૂરી અપાઈ છે, વૃક્ષો કાપવાની કોઈ લેખિત પરમિશન લેવામાં આવી નથી. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, “જે વૃક્ષ ઉગાડતા 20 વર્ષ લાગે તેને મિનિટોમાં કાપી નાખવા તે પર્યાવરણ સાથે મોટો અન્યાય છે.”

બીજી તરફ, મંદિરના પ્રતિનિધિઓએ દલીલ કરી હતી કે આ સપ્તપર્ણીના વૃક્ષો છે, જેનાથી અસ્થમા જેવી બીમારીઓ થવાની શક્યતા રહેલી છે અને તેનાથી સતત કાર્બન ડાયોક્સાઈડ ફેલાય છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ આ જગ્યાએ નવું ડેવલપમેન્ટ કરીને વધુ સારા છોડ અને વૃક્ષો રોપવા માંગે છે. દરમિયાન, મંદિરના લોકો અને જાગૃત નાગરિક વચ્ચે તીખી તકરાર પણ જોવા મળી હતી, જેમાં એકબીજા પર નિયમોના ઉલ્લંઘનના આક્ષેપો કરવામાં આવ્યા હતા.
જાગૃત નાગરિકે મ્યુનિસિપલ કોર્પોરેશનના કાગળો ટાંકીને જણાવ્યું કે, મંજૂરી પત્રમાં ક્યાંય પણ વૃક્ષ કાપવાનો ઉલ્લેખ નથી. હાલ પૂરતું આ કામ અટકાવી દેવામાં આવ્યું છે. હવે જોવાનું એ રહે છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન આ બાબતે શું પગલાં લે છે અને શું ખરેખર વૃક્ષો કાપવાની સત્તાવાર પરવાનગી આપવામાં આવી હતી કે કેમ.