Vadodara

કારેલીબાગ વિસ્તારમાં ખુલ્લી વરસાદી ચેમ્બરમાં પડેલી ગાયનું ફાયર બ્રિગેડે કર્યું સફળ રેસ્ક્યુ

: ખુલ્લી ચેમ્બરો શહેર માટે જોખમરૂપ
મહાનગરપાલિકાની પ્રીમોન્સૂન કામગીરી પર ફરી ઉઠ્યા સવાલ : સ્કૂલ નજીક ખુલ્લી ચેમ્બરો બાળકો માટે પણ બની શકે જીવલેણ
(પ્રતિનિધિ) વડોદરા, તા. ૩૦ — વડોદરા મહાનગરપાલિકાની વધુ એક ગંભીર બેદરકારી કારેલીબાગ વિસ્તારમાં સામે આવી છે, જ્યાં ખાનગી સ્કૂલ નજીક આવેલી ખુલ્લી વરસાદી ચેમ્બરમાં એક ગાય પડી જતા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કરી તેનો જીવ બચાવવામાં આવ્યો હતો. ઘટનાએ ફરી એકવાર શહેરમાં ખુલ્લી ચેમ્બરોના પ્રશ્નને ચર્ચાના કેન્દ્રમાં લાવ્યો છે.

મળતી માહિતી મુજબ કારેલીબાગ હરણી રોડ પર ન્યુ હોરીઝોન સ્કૂલ પાછળ અને નાગેશ્વર મંદિર નજીક આવેલી નાની વરસાદી ચેમ્બરમાં ગાય પડી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને સલામત રીતે ગાયને બહાર કાઢી હતી. સબ ફાયર ઓફિસર રવિન્દ્ર કદમે જણાવ્યું હતું કે, વિસ્તારમાં અનેક ગટરો ખુલ્લી હાલતમાં છે, જે જોખમકારક છે.

અગાઉ પણ આવી જ ઘટનામાં ગર્ભવતી ગાયનું મોત થયાનું સામે આવ્યું હતું. સ્કૂલના ગ્રાઉન્ડ નજીક ખુલ્લી ચેમ્બરો હોવાને કારણે બાળકો માટે પણ ગંભીર અકસ્માતની શક્યતા ઉભી થઈ રહી છે. ફાયર બ્રિગેડ દ્વારા તંત્રને તાત્કાલિક ચેમ્બરો બંધ કરવાની સૂચના આપવામાં આવી છે.

Most Popular

To Top