મહિલાઓએ પાલિકા વિરુદ્ધ સુત્રોચ્ચાર સાથે માટલા ફોડી વિરોધ નોંધાવ્યો
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં પીવાના પાણીને લઈ સ્થાનિકો દ્વારા એક વિશાળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જેમાં આનંદ નગર અને આસપાસની સોસાયટીઓના રહેવાસીઓએ પૂરતા અને સ્વચ્છ પીવાના પાણીની માંગ કરી. પ્રદર્શનકારીઓ, જેમાં મોટાભાગે મહિલાઓ હતી, તેમણે “પાણી આપો, પાણી આપો, પાણી આપો, કોર્પોરેશન, પાણી આપો” અને “હાય રે કોર્પોરેશન, હાય રે.. હાય રે કમિશનર, હાય રે” જેવા સૂત્રોચ્ચાર કર્યા, જેમાં તેમની હતાશા અને ગુસ્સો દેખાયો હતો.

આ કટોકટી 20 દિવસથી ચાલી રહી છે, જેનાથી કારેલીબાગમાં લગભગ 15,000 પરિવારો પ્રભાવિત થયા છે. પ્રદર્શનકારીઓએ ધ્યાન દોર્યું કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી, ત્યારે પાણી વેરો રૂ. 180 હતો. તે સમયે બે ટાઇમ ચોખ્ખું પીવાનું પાણી મળી રહેતું હતું. ત્યારે અત્યારે રૂ. 1800 સુધીનો વેરો લેવા છતાં કોર્પોરેશન સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવામાં નિષ્ફળ ગયું છે. હકીકતમાં, જેટલું પણ પાણી કોર્પોરેશન દ્વારા પૂરું પાડવામાં આવે છે તે ઘણીવાર દુર્ગંધયુક્ત અને દૂષિત હોય છે.

પ્રદર્શનકારીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ ટૂંક સમયમાં પૂર્ણ નહીં થાય, તો તેઓ ઉગ્ર આંદોલન કરશે, મ્યુનિસિપલ ઓફિસ પર વિરોધ કરશે અને કમિશનરનો ઘેરાવ કરશે. ખાસ કરીને ઉનાળાની શરૂઆત સાથે, પરિસ્થિતિ ગંભીર બની રહી છે.
અન્ય વિસ્તારોમાં પણ પાણીની મોકાણ
આ કોઈ એકલદોકલ ઘટના નથી, કારણ કે શહેરના અન્ય ભાગોમાં, જેમ કે નાગરવાડા, જ્યાં રહેવાસીઓએ દૂષિત પીવાના પાણીની ફરિયાદ કરી હતી, ત્યાં પણ આવા જ વિરોધ પ્રદર્શનો નોંધાયા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને પીવાના પાણીની કટોકટીને દૂર કરવા અને લોકો ની જરૂરિયાત પૂરી કરવા તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.
