Vadodara

કારેલીબાગ પાણીની ટાંકી તરફ જવાના માર્ગે વિશાળ ભુવો પડ્યો

રોડની કામગીરીમાં ફરી વેઠ ઉતારાઈ,વિશાળ ભુવાએ તંત્રની પોલ ઉઘાડી પાડી :

શાકભાજી બજારમાં આવતા લોકોને પડશે હાલાકી :

( પ્રતિનિધિ )વડોદરા,તા.14

સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં ભુવાની ભરમાર જોવા મળી રહી છે ત્યારે કારેલીબાગ પાણીની ટાંકી તરફ જતા મુખ્ય માર્ગ ઉપર વિશાળ ભુવો નિર્માણ પામ્યો છે. હાલમાં જ આ માર્ગ ઉપર નવો રોડ બનાવવામાં આવ્યો તેમ છતાં યોગ્ય પુરાણ કરવામાં નહીં આવતા અને કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોવાનો આ ઉત્તમ નમૂનો સામે આવ્યો છે.



કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા હવે ખાડોદરા બની ગઈ છે. શહેરમાં આવે રોડ નહીં પણ જ્યાં જુઓ ત્યાં ખાડા નજરે પડી રહ્યા છે. દરેક દિવસે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભુવા નિર્માણ પામી રહ્યા છે, તેવામાં વધુ એક ભુવો કારેલીબાગ વિસ્તારમાં નિર્માણ પામ્યો હતો. પાણીની ટાંકી તરફ જવાના મુખ્ય માર્ગે જ્યાં શાકભાજી બજાર ભરાય છે, તે માર્ગ ઉપર મોટો ભુવો આકાર પામ્યો છે હાલ અંદરથી પહોળો અને હજી પણ જો આ ભુવાનું રીપેરીંગ કામ કરવામાં નહીં આવે તો મોટું સ્વરૂપ ધારણ કરી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હાલ આ ભુવાને લગાવીને કોર્ડન કરવામાં આવ્યો છે. સ્થાનિક મુકેશભાઈએ જણાવ્યું હતું કે કારેલીબાગ વિસ્તારમાં જ્યાં વેજીટેબલ માર્કેટ આવેલું છે. અહીંયા દરરોજ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. આજે અહીં મસ્ત મોટો ભુવો પડ્યો છે, તંત્રની આ સંતોષકારક કામગીરી ના કહેવાય. આ રોડ પણ હજી હાલમાં જ બનેલો છે. આ કામગીરી કેવી કરી જેનું પુરાણ બરાબર નહીં કરવાના કારણે આટલો મોટો ભૂવો પડી ગયો છે.

હજી સંસ્કારી નગરીમાં એટલો બધો વરસાદ નથી પડ્યો કે, જેનાથી આ ભુવા પડી રહ્યા છે. હવે એવું થઈ ગયું છે કે, તમે વડોદરામાં જ્યાં જ્યાં જાવ ત્યાં રોડ ના મળે પણ ખાડા ચોક્કસ મળે. આખે આખી ગાડી અંદર ઘૂસી જાય એટલો મોટો આ ભુવો પડ્યો છે. કોઈ અકસ્માત થશે તો જવાબદારી કોની ? ખાલી કોન્ટ્રાક્ટર ઉપર ના છોડો. તમે જાતે અહીંયા વિઝિટ કરો કે જેનાથી તમને ખબર પડે કોન્ટ્રાક્ટ કાપીને હાથ છુટા ના કરાય, તમે પછી કહો કે એન્જિનિયરની ખામી છે અરે એમની ખામી હોય તો પબ્લિક કેવી રીતે ભોગવે. વહેલી તકે આ ભુવો પુરવામાં આવે નહીં તો મોટી અકસ્માતની ઘટના બની શકે તેમ છે.

Most Popular

To Top