સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કર્યો
અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને બેદરકારીથી ડ્રાઇવિંગને કારણે નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે :
( પ્રતિનિધિ )વડોદરા,તા.16
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં બનેલી અકસ્માતની ઘટનાની બોલીવુડમાં પણ નોંધ લેવાઈ છે. જાણીતી અભિનેત્રી જાહ્નવી કપૂરે આ ઘટનાને લઈ સોશિયલ મીડિયા પર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. તેણીએ આ અત્યંત આઘાતજનક અને ગુસ્સો આવે એવી ઘટના હોવાનું લખ્યું છે.
વડોદરાના કારેલીબાગ વિસ્તારની ઘટનામાં સૌકોઈમાં રોષ જોવા મળી રહ્યો છે. નશામાં ધૂત થઈ કાર હાંકનાર યુપીના રક્ષિત ચોરસિયા ઘટનાને અંજામ આપ્યા બાદ અનધર રન અને નિકિતાના નામની બૂમો પાડી રહ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. હાલ આ ઘટના સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે. સમગ્ર દેશ સહિત વિદેશમાં પણ લોકો રક્ષિત ચોરસિયા સામે ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે. તો બીજી તરફ બોલીવુડમાં પણ આ ઘટનાની નોંધ લેવાઈ ચુકી છે. બોલીવુડની જાણીતી અભિનેત્રી જાહ્નવી કપૂરે આ ઘટનાને લઈ સોશિયલ મીડિયા પર પોતાનો આક્રોશ ઠાલવતા લખ્યું છે કે, આ અત્યંત આઘાતજનક અને ગુસ્સો આવે તેવી ઘટના છે. આ વિચારીને જ ધૃણા થાય છે કે કોઈ વ્યક્તિ આવી ઘટનાને અંજામ આપ્યા પછી પોતે બચી જાય છે, તેને કોઈ ફર્ક પડતો નથી પછી તે નશામાં હોય કે ન હોય. ટૂંકમાં જાહ્નવીએ આવા વ્યક્તિઓ બચી જાય છે તેમ કહી પ્રશાસન નબળું પડતું હોવાનું જણાવ્યું છે. કડક કાર્યવાહી નહીં થતી હોવાથી આજે પણ દેશમાં અકસ્માતોની વણઝાર લાગી રહી છવા. જેમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કારણે થતા અકસ્માતોમાં નિર્દોષ નાગરિકોના ભોગ લેવાતા હોય છે.
