વડોદરા: શહેરમાં ચોમાસા પહેલાં જ રસ્તાઓ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા બેસી ગયા છે અને ભૂવા પડવાની ઘટનાઓ વધી રહી છે. કારેલીબાગ વિસ્તારમાં દીપિકા ગાર્ડનના મુખ્ય માર્ગ પર મોટો ભૂવો પડતા વાહન વ્યવહારમાં અડચણ આવી હતી અને સ્થાનિક રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો.
શહેરમાં વરસાદ શરૂ થાય તે પહેલા જ રસ્તાઓમાં ખાડા પડી જવાના અને ભૂવા પડવાના બનાવો સતત સામે આવી રહ્યા છે. પાલિકા અને કોન્ટ્રાક્ટરોના અધૂરા અને અણઘડ કામના કારણે આવી સ્થિતિ સર્જાઈ રહી છે. રોજિંદા વાહન વ્યવહારમાં આવતા લોકોએ અનેક વખત ફરિયાદો કરી હોવા છતાં પણ યોગ્ય દુરસ્તી થઈ નથી. આ પહેલા પણ અકોટા, માંજલપુર અને અન્ય વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટનાઓ નોંધાઈ ચૂકી છે. જમીન નીચેના ભાગમાં યોગ્ય પૂરાણ ન ભરાતા અથવા પાણી ચૂસાઈ જતાં જમીન ખાલી થઈ જાય છે અને આવો ભૂવો ઊભો થાય છે. ઘટનાની જાણકારી મળતાં પાલિકા તરફથી સ્થળ પર ટીમ મોકલવામાં આવી હતી અને માર્ગ બંધ કરી સમારકામ શરૂ કરાયું છે. સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે, “દર વર્ષે ચોમાસાની નજીક આવતાં આવી સમસ્યા ઉભી થાય છે. પાલિકા કામગીરી પૂરતી તપાસ કર્યા વગર તત્કાલ કામ પૂરુ કરે છે અને થોડા સમયમાં ફરી સમસ્યા ઉભી થાય છે.” શહેરના લોકોની માંગ છે કે, ચોમાસા પહેલા પૂરતા સમારકામ કરવામાં આવે અને જ્યાં ભૂવા પડવાના લક્ષણો હોય ત્યાં અંડરગ્રાઉન્ડ તપાસ થાય, જેથી આવા અકસ્માતો ટાળી શકાય.