લાખોની મતા સ્વાહા: ફાયર બ્રિગેડની 5 ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો
(પ્રતિનિધિ) વડોદરા | તા. 24
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આજે વહેલી સવારે ભીષણ આગની ઘટના સર્જાઈ હતી. ખાસવાડી સ્મશાન પાસે ગેબનશા પીર રોડ પર આવેલા જોસેફ મોટર ગેરેજમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આગમાં ગેરેજમાં સમારકામ માટે રાખવામાં આવેલી ચાર ફોર-વ્હીલર કાર અને બે બાઈક બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયા છે, જેમાં લાખો રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે.
પ્રાપ્ત માહિતી મુજબ વહેલી સવારે આસપાસના લોકો નિદ્રાધીન હતા તે દરમિયાન ગેરેજમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ દેખાવા લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સ્થાનિકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા વડોદરા ફાયર સર્વિસની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.

ફાયર બ્રિગેડની ટીમોએ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ગેરેજમાં ઓઈલ અને અન્ય જ્વલનશીલ પદાર્થો હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી, પરંતુ ફાયર વિભાગની સતર્કતા અને સમયસરની કામગીરીને કારણે આગને આસપાસના રહેણાંક અને વ્યવસાયિક એકમોમાં ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી.
સદનસીબે, વહેલી સવારનો સમય હોવાથી ગેરેજમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી જાનહાનિ ટળી છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે ફાયર વિભાગ તથા સંબંધિત તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.