સંતુષ્ટિ આઉટલેટના સંચાલકો બેફામ : લોકોના આરોગ્ય સાથે ચેડા
પેકડ ચીઝ કેક ખરાબ નીકળતા વિદ્યાર્થીઓએ બળાપો કાઢ્યો :
190 રૂ.ની કેકમાં એક્સપાયરી ડેટ મારવામાં આવી નથી,લાંબા દિવસો સુધી વેચાણ કરે છે : વિદ્યાર્થીઓ
( પ્રતિનિધી )વડોદરા,તા.5
વડોદરામાં ફરી એક વખત લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોવાનો કિસ્સો સપાટી પર આવવા પામ્યો છે. કારેલીબાગ વિસ્તારમાં આવેલા સંતુષ્ટિના આઉટલેટમાંથી ખરીદ કરેલી સિલ્ડ પેક સિઝ કેક ફૂગ વાળી નીકળતા વિદ્યાર્થીઓ ચોંકી ઉઠ્યા હતા. એક્સપાયરી ડેટ પણ મારી નહીં હોવાના આક્ષેપ સાથે બળાપો કાઢ્યો હતો.
વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતેની એક ખાનગી યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા અને વાઘોડિયા રોડ પર ભાડાના મકાનમાં રહેતા બે વિદ્યાર્થી મિત્રો દર્શન પટેલ અને ડુંગરાની ગત રાત્રીએ કારેલીબાગ વિસ્તારના સંગમ ચાર રસ્તા નજીક આવેલી સંતુષ્ટી મેક્સ એન્ડ મોર નામના આઉટલેટ ઉપર ગયા હતા. જ્યાંથી તેમણે 190 રૂપિયાની કિંમતનો એક એવા બે સિલ્ડ પેક ચીઝ કેક ખરીદ કર્યા હતા. તેમની સાથે તેમના અન્ય મિત્રો પણ હતા.
પ્રથમ તેઓએ ખોલીને ચેક કરતા આ કેક ફૂગ ચડેલી હાલતમાં અને સડી ગયેલું જોવા મળ્યું હતું. જેથી તાત્કાલિક વિદ્યાર્થીઓએ સંતુષ્ટી આઉટલેટના હાજર કર્મચારીઓને આ બાબતે જાણકારી હતી. એક તબક્કે તો આ કર્મચારીઓ પોતે આ કેકને સૂંઘવા માટે તૈયાર થયા ન હતા.
જ્યારે ફરજ પરના કર્મચારીઓએ આઉટલેટના સંચાલક સાથે ટેલિફોનિક વાત કરાવતા વિદ્યાર્થીઓએ તેમની અરજ રજૂ કરી હતી. જો કે ઉલ્ટા ચોર કોતવાલ કો ડાટે જેવો ઘાટ ઘડાયો હતો. સંચાલકે વિદ્યાર્થીઓને આ અમારી બ્રાન્ડ છે, તે પસંદ ના આવે તો બીજી લઈ લો અને વિદ્યાર્થીઓને થાય તે કરીલો તેમ કહી ઉડાઉ જવાબ આપ્યો હતો. જેને લઇ વિદ્યાર્થીઓએ ગંભીર આક્ષેપ લગાવ્યા હતા.
વિદ્યાર્થીઓ જણાવ્યું હતું કે સંતુષ્ટીની આ આઉટલેટમાં અમે અગાઉ પણ આ કેક ખાધેલો છે અમને ટેસ્ટ ખબર છે, પણ આ કેક સડેલો છે. સાથે જ તેના પર એક્સપાયરી ડેટ લગાવવામાં આવી નથી. જેના કારણે આ લોકો એ અઠવાડિયાથી માંડીને ત્રણ ચાર અઠવાડિયા સુધી કેક વેચાણ કરતા હોય છે. આરોગ્ય વિભાગને પણ વિનંતી કરી હતી કે, સંતુષ્ટીના તમામ આઉટલેટમાં ચેકિંગ કરવામાં આવે અને આવી પ્રોડક્ટો ઉપર એક્સપાયરી ડેટ લગાવવામાં આવે. સાથે વિદ્યાર્થીઓએ સંતુષ્ટિ સામે પગલા ભરવા માંગણી પણ કરી હતી.