Vadodara

કારેલીબાગના અંબે માતાજીના મંદિરમાંથી દાન પેટી ઉઠાવી જનાર બે શખ્સો ઝબ્બે

( પ્રતિનિધી )વડોદરા,તા.5

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા અંબા માતાના મંદિરે થયેલી દાન પેટીની ચોરીમાં ક્રાઈમ બ્રાન્ચે બે રીઢા આરોપી રોહન રાજમલ અને અજય રાજપૂતને ઝડપી પાડીને ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો છે. દાનપેટી જેટલી સામાન્ય ચોરીમાં પણ સ્થાનિક પોલીસ ડિટેક્શન કરી શકી નથી. જ્યારે ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓને ઝડપી પાડી ચોરી થયેલી દાનપેટી પણ રિકવર કરી બતાવી હતી.

વડોદરા શહેરમાં ભગવાનના મંદિરો પણ સુરક્ષિત નથી. તસ્કરો એટલી હદે બેફામ થયા છે કે, વહેલી પરોઢે મંદિરમાં પ્રવેશીને માત્ર ત્રણ મિનિટમાં દાન પેટી ઉઠાવીને પલાયન થઈ ગયા હતા. પોલીસને જ્યારે સવારે જાણ કરવામાં આવી ત્યારે સ્થાનિક પોલીસે તસ્કરોની શોધખોળ આરંભી હતી. પણ કારેલીબાગ પોલીસના હાથે કઈ લાગ્યું ન હતું. ત્યારે, વડોદરા ક્રાઈમ બ્રાન્ચે દાનપેટી ચોરી કરનાર બંને આરોપીઓની વિજય નગર ચાર રસ્તા પાસેથી ધરપકડ કરી હતી. એકતા નગર આજવા રોડ ખાતે રહેતો અજય રાજપુત અને વારસિયા સંજય નગરમાં રહેતો રોહન રાજમલ મંદિરની દાનપેટીની ચોરીમાં સંડોવાયેલા હતા. જેઓ પાસેથી સિક્કા અને ચલણી નોટ મળીને 13,588 રોકડ, 2500ની કિંમતની બે દાનપેટી, એક મોપેડ અને મોબાઈલ ફોન મળીને 68 હજારનો મુદ્દામાલ ક્રાઈમ બ્રાન્ચે કબ્જે લીધો છે. અજય રાજપૂત વિરુદ્ધ 10 અને રોહન રાજમલ વિરુદ્ધ 14 જેટલા ચેઇન સ્નેચિંગ,ઘરફોડ ચોરી,ચિલઝડપ મારામારી અને લૂંટ જેવા ગુન્હાઓ નોંધાયેલા છે.

Most Popular

To Top