ભાયલીની સોપાન-55 સાઇટ પર અકસ્માત બાદ બિલ્ડર ફરાર થયો હતો , એક દિવસ પછી પોલીસ સમક્ષ હાજર
(પ્રતિનિધિ) વડોદરા, તા. 20
વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં પાંચ મહિનાની માસૂમ બાળકી પર કાર ચડાવી મોતને ઘાટ ઉતારનાર સોપાન-55 નામની સાઇટના બિલ્ડર જીત પટેલ અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો. બનાવ બાદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તેની ઘનિષ્ઠ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન એક દિવસ બાદ બિલ્ડર જાતે પોલીસ સ્ટેશનમાં હાજર થતાં, ગુનો જામીનપાત્ર હોવાથી તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ભાયલી વિસ્તારમાં આવેલી સોપાન-55 સાઇટ પર મજૂર પરિવાર કડિયા કામ કરી રહ્યો હતો. કામ દરમિયાન પરિવારની પાંચ મહિનાની બાળકીને સાઇટના મુખ્ય ગેટ પાસે સુવડાવવામાં આવી હતી. એ દરમિયાન સાઇટના બિલ્ડર જીત પટેલ પોતાની ઇનોવા કાર લઈને ગેટમાંથી અંદર પ્રવેશ્યો હતો અને અચાનક કાર બાળકીને કચડી ગઈ હતી.
કાર અકસ્માતમાં માસૂમ બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે બાળકીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. માસૂમના મોતની ઘટના સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી ગઈ હતી.
અત્યંત ગંભીર બનાવ બાદ પણ બિલ્ડર જીત પટેલ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જાણે ભુગર્ભમાં ઉતરી ગયો હોય તેમ તે પોલીસની પકડથી દૂર રહ્યો હતો. જેના પગલે પોલીસે અલગ અલગ ટીમો બનાવી, સાઇટ પર લગાવાયેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ, ટેકનિકલ માહિતી તેમજ હ્યુમન સોર્સિસના આધારે તપાસ શરૂ કરી હતી.
આખરે 20 ડિસેમ્બરના રોજ બિલ્ડર જાતે પોલીસ સ્ટેશનમાં હાજર થતાં પોલીસે તેની પૂછપરછ કરી હતી. જોકે, બનાવ જામીનપાત્ર ગુનો હોવાના કારણે પોલીસ દ્વારા તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.