Vadodara

કાગળ પર ચેકડેમ, ગજવામાં લાખોની ગ્રાન્ટ: સાવલીના ટુંડાવમાં 10 લાખનું ‘પાણી’ જેવું કૌભાંડ!

​RTI માં ભાંડો ફૂટ્યો: એક જ ચેકડેમ બનાવી બેના બિલો ફાડ્યા, જિલ્લા પંચાયત સભ્ય સામે તપાસની માંગ

વડોદરા: સાવલી તાલુકાના ટુંડાવ ગામમાં સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરી ચેકડેમ બનાવવામાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ મામલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર રાજદીપ રાણા દ્વારા જિલ્લા વિકાસ અધિકારી ને આવેદનપત્ર આપીને તપાસની માંગ કરવામાં આવી છે.
સમગ્ર ઘટના આરટીઆઈ દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવી છે. અરજદારોએ ગ્રામ પંચાયતમાં વિતેલા પાંચ વર્ષમાં થયેલા કામોની માહિતી માંગી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે ટુંડાવ ગામની સીમમાં 5-5 લાખ રૂપિયાના ખર્ચે બે અલગ-અલગ ચેકડેમ મંજૂર કરવામાં આવ્યા હતા અને તેનું પેમેન્ટ પણ ચૂકવી દેવામાં આવ્યું હતું.
આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે ચેકડેમ બનાવવામાં આવ્યો છે, તે કોંગ્રેસના જિલ્લા પંચાયત સભ્ય ડો. પ્યારેસાહેબ રાઠોડ અને રણજીતભાઈ રાઠોડની માલિકીની જમીન પાસે જ બનાવવામાં આવ્યો છે. આ ચેકડેમનું પાણી અન્ય કોઈ ખેડૂતને મળે તેવી શક્યતા નથી અને તે માત્ર પોતાના આર્થિક લાભ અને સ્વ-ઉપયોગ માટે સરકારી ગ્રાન્ટમાંથી બનાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.
આ મામલે જિલ્લા વિકાસ અધિકારી હીરપરાને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે કે આ સમગ્ર કૌભાંડની તટસ્થ તપાસ કરવામાં આવે. ભાજપ કાર્યકર રાજદીપ રાણાએ માંગ કરી છે કે ​ગેરરીતિ આચરનાર સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે. ​જિલ્લા પંચાયત સભ્યને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે. ​આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને સરકારી નાણાંની ઉચાપત મામલે તંત્ર કેવા પગલાં ભરે છે તે જોવાનું રહેશે.


– જ્યારે કાર્યકરોએ સ્થળ તપાસ કરી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી:
*​પ્રથમ ચેકડેમ: પારેવી કોતરના નામે મંજૂર કરવામાં આવ્યો હતો, જેના ફોટા ઠરાવમાં દર્શાવવામાં આવ્યા છે.
*​બીજો ચેકડેમ: રાઠોડ પ્રતાપસિંહના ખેતરની બાજુમાં દર્શાવીને બિલ પાસ કરવામાં આવ્યું હતું.
​વાસ્તવિક સ્થિતિ એવી છે કે સ્થળ પર માત્ર એક જ ચેકડેમ છે, જ્યારે બીજો ચેકડેમ માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવે છે.

Most Popular

To Top