Vadodara

કાંસની સફાઇની માટીના NH-48 પર પાળા ખડકાતા અકસ્માતનો ભય

ભારે વરસાદે માટીના પાળા વહેતી કાંસમાં ભળી જશે


વડોદરામાં કાંસોની સફાઈ બાદ નેશનલ હાઈવે-48 ની બાજુએ માટીના ઢગલા સર્જાયા

વડોદરા મહાનગર પાલિકા હાલમાં વિશ્વામિત્રી નદીના પુનર્વિકાસ અને સફાઈના વિશાળ પ્રોજેક્ટ પર કાર્યરત છે. નદીને ઊંડી, પહોળી અને જંગલ કટીંગ જેવા કામો ઝડપથી આગળ વધી રહ્યા છે. આ સાથે શહેરની અંદર અને બહાર આવેલી અનેક કાંસોની પણ સફાઈ થઈ રહી છે. આ કામગીરીના ભાગરૂપે પાલિકા દ્વારા નેશનલ હાઈવે નં. 48 ને સમાંતર પણ કાંસોની સફાઈ કરવામાં આવી છે. જોકે, અહીંથી જે માટી નીકળી છે તેને હાઈવેને અડીને જ મોટા પાળાની જેમ રાખી દેવામાં આવી છે. તેનાં કારણે રોડ પર મુસાફરી કરતા વાહનચાલકો માટે ગંભીર અકસ્માતની શક્યતા ઊભી થઈ છે.

અત્રે નોંધનીય છે કે આ માટી એટલી નજીક રખાઈ છે કે કેટલીક જગ્યાએ હાઈવે પરના કિલોમીટર સ્ટોન પણ દબાઈ ગયા છે. જો ચોમાસામાં ભારે વરસાદ થાય તો આ માટીના પાળા પાણી સાથે વહી જવાની શક્યતા છે અને ફરીથી કાંસમાં જ ભળી જશે, જેના કારણે જે કામ માટે આખું આ પ્રયાસ હાથ ધરાયો છે તે જ બેકાર થઈ શકે છે.



વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલા સફાઈ કામો વડોદરાના વિકાસ અને આગામી ચોમાસામાં સંભવિત પૂર સામે રક્ષણ માટે જરૂરી છે, પરંતુ અમુક જગ્યાએ આ કામ સમસ્યાનું રૂપ લઈ રહ્યું છે. નેશનલ હાઈવે નં. 48 ની બાજુમાં માટીના મોટા પાળા રાખવામાં આવતાં હવે વાહનચાલકો માટે જોખમ ઊભું થયું છે. આ પાળાઓ દુર્ઘટનાને આમંત્રણ આપે તેવું છે અને વરસાદ દરમિયાન પાણીનો વહેવાર ખોરવાઈ શકે છે. વિકાસના નામે આવા તત્કાલિન ઉપાયો શહેરને ગંભીર પરિણામે લઈ જઈ શકે છે. હાલની સ્થિતિમાં જરૂર છે કે પાલિકા ઝડપથી કાર્યવાહી કરે અને આ પાળાઓને યોગ્ય સ્થળે હટાવવાની વ્યવસ્થા કરે. વધુમાં, આવા માટીના પાળાઓને હટાવવાની કોઈ ચોક્કસ તારીખ કે યોજના હજુ જાહેર કરાઈ નથી. હાલ જે માટી વિશ્વામિત્રી નદીમાંથી કાઢવામાં આવી રહી છે તે પાલિકાના ખાલી પડેલા પ્લોટમાં લઈ જવાઈ રહી છે, તો પછી નેશનલ હાઈવે જેવી ટ્રાફિકભરી જગ્યા પર આ માટીના ઢગલા કેમ ? એ સવાલ હવે સ્થાનિક નાગરિકો અને ટ્રાફિક વિભાગ સમક્ષ ઉભો થયો છે.

Most Popular

To Top