Charotar

કહાનવાડી ગામની 237 વીઘા જમીન સંદર્ભે ઉગ્ર વિરોધ સાથે પૂતળું બાળ્યું

ગ્રામસભામાં જમીન ગુરૂકુળને ન ફાળવવા ઠરાવ કરાયો

કહાનવાડીની કિંમતી જમીન રાજકોટ ગુરુકુળને ફાળવવાના નિર્ણયના વિરોધ સાથે ગ્રામસભા
(પ્રતિનિધિ) આંકલાવ તા 10
આંકલાવના કહાનવાડી ગામની 237 વીઘા મૂલ્યવાન જમીન પાણીના ભાવે 38 કરોડમાં રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળને આપી દેવામાં આવી છે. આ મુદ્દે ગ્રામજનોએ સોમવારે ખાસ ગ્રામસભામાં યોજી જમીન નહીં આપવાનો ઠરાવ કર્યો છે.
કહાનવાડીના ગ્રામજનોના જણાવ્યા મુજબ, 10મી માર્ચના રોજ આયોજીત ગ્રામસભામાં માત્ર કલેક્ટર, ડીડીઓ અને મામલતદાર સહિતના અધિકારીઓને જ બોલાવવાનું નક્કી કરાયું હતુ. જોકે સોમવારે આયોજિત ગ્રામ સભા ખાતે કોઈ સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં નહતાં. ગ્રામજનોએ પોતાના નિશ્ચય મુજબ ગ્રામ સભા કાર્યકમ યથાવત રાખ્યો હતો. જેમાં જમીન મામલે ઉગ્ર વિરોધ કરી ગ્રામજનો વધુ આક્રમકતા સાથે જમીન બાબતે કોઈ પણ સ્થિતિમાં લડત આપવાનો નિર્ધાર કર્યો હતો. આ જમીન સ્વામિનારાયણ ગુરુકુળ માટે ફાળવવાના નિર્ણયનો ખૂબ જ વિરોધ કરાયો હતો.
ગ્રામ સભામાં ઉપસ્થિત ગ્રામજનોએ પુતળું દહન કરીને ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. તેમજ ઉપસ્થિત તમામ ગ્રામજનોએ સહી ઝુંબેશ સાથે ઠરાવ કરીને જમીન બાબતે ફેર વિચારણા કરીને નિર્ણય રદ કરવાની માગણી કરી છે.
કહાનવાડીના રામદેવપીર મંદિર પાસે ગ્રામસભામાં આગેવાનોએ જણાવ્યું હતું કે, આખા ગામને અંધારામાં રાખીને રૂા. 114 કરોડની મુલ્યવાન 237 વીઘા જમીન રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળને માત્ર 38 કરોડમાં આપી દેવામાં આવી છે. શિક્ષણના હેતુનું નામ આગળ ધરીને જમીનનું મોટું કૌભાંડ કરવામાં આવેલું છે.

Most Popular

To Top