ડેસર:
ગુજરાત બ્લેક સ્ટોન કવોરી એસોસીએશનની 28 સપ્ટેમ્બરે દ્વારકા ખાતે યોજાયેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે ગુજરાતભરનો કવોરી ઉદ્યોગ તા 2 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર હતો. ખેડા, પંચમહાલ અને વડોદરા જિલ્લાની 125 કવોરી અને ૨૫૦ માઈન્સો સહિત રાજ્યની 1600 ઉપરાંત કવોરીઓએ જડબેસલાક બંધ પાડ્યો હતો. જેના કારણે કન્સ્ટ્રક્શન સહિતના રાજ્ય સરકારના વિકાસના કામો ઉપર રીતસર ની બ્રેક લાગી હતી. જ્યારે સામે દીપાવલીનો મોટો તહેવાર આવતો હોવાથી કવોરીઓમા કામ કરતા શ્રમજીવીઓની હાલત દિન પ્રતિદિન કફોડી બનતી જોવા મળી હતી. આ બાબતે સરકારને કવોરી એસોસીએશને પણ રજૂઆત કરીને પડતર પ્રશ્નો ઝડપ ભેર ઉકેલ કરવા માટે જણાવ્યું હતું
અગાઉ ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ હતી.પરંતુ કોઈ નિરાકરણ આવ્યું ન હતું . ગત તા 16 ઓક્ટોબરે ગાંધીનગર ખાતે ગુજરાત કવોરી એસો. પ્રમુખ હિતેન્દ્ર ઉપાધ્યાય ઉર્ફે કાળુભાઈ કાર્પેટ, મહામંત્રી અમિત સુથાર સહિત દરેક જિલ્લાના પ્રમુખો અને કેટલાક અગ્રણી કવોરી સંચાલકો સાથે પ્રમુખ સચિવ એમ. કે. દાસ, ખનીજ કમિશનર ડો. ધવલ પટેલ અને મહેસાણાના ધારાસભ્યની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી .તેમાં ઉદ્યોગને લગતા પડતર પ્રશ્નો અને પર્યાવરણીય મંજૂરી ખાણકામના આયોજન તેમજ રાજ્યની અંદાજિત 60% થી વધુ ખાણોની રોયલ્ટી એકાઉન્ટ બંધ થતા પડતી મુશ્કેલી બાબતે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી ચર્ચા વિચારણા બાદ યોગ્ય ઉકેલ આવ્યો હતો
હડતાલ થી સરકારની તિજોરીને કરોડોનું નુકસાન થયું
માત્ર મધ્ય ગુજરાતની ખેડા,પંચમહાલ, વડોદરા જિલ્લામાં ૧૨૫ કવોરીઓ અને ૨૫૦ માઈન્સો આવેલી છે. એક કવોરીમા દિવસ નુ એક હજાર ટન ઉત્પાદન થાય છે. તો ૧૨૫ કવોરીઓ મા ૧,૨૫૦૦૦ ઉત્પાદન થાય. ૬૦ રૂપિયા લેખે રોયલ્ટી સરકારને ચૂકવાય છે. તો એક દિવસની ૭૫ લાખ રૂપિયાની રકમ થાય છે. ૧૫ દિવસ ચાલેલી હડતાલથી દિવસના ૭૫ લાખ લેખે ૧૫ દિવસના માત્ર મધ્ય ગુજરાતના ૧૧.૨૫ કરોડ રૂપિયાનું સરકારી તિજોરીમાં નુકસાન થવા પામ્યું છે. તો ગુજરાતની 1600 ઉપરાંત કવોરી ઉદ્યોગ 15 દિવસથી બંધ હતુ સરકારને પણ કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે.