આ મહિલાને બે કિલોમીટર પગપાળા ચાલ્યા બાદ 108 એમ્બ્યુલન્સમાં કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચાડવામાં આવી, ત્યાં બાળકને જન્મ આપ્યો
આઠ દિવસમાં ત્રીજી ઘટના બનવા પામી
નસવાડી: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પડવાની ગામની મહિલા ઉરસીબેન સુરેશભાઈ ભીલને પ્રસુતિ નો દુખાવો ઉપડતા પડવાની ગામથી મુખ્ય રસ્તા સુધી આવવા માટે કાચો અને ઢાળવાળો રસ્તો હોવાથી આજુબાજુના યુવાનોએ ભેગા થઇને આ મહિલાને ઝોળીમાં નાખી બે કિલોમીટર સુધી પગપાળા ચાલીને મુખ્ય રોડ સુધી મહિલાને પહોંચાડી હતી. ત્યાંથી 108 એમ્બ્યુલન્સ મારફતે કવાંટ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મહિલાને દાખલ કરવામાં આવી હતી. આ મહિલાની સફળ પ્રસૂતિ દવાખાનામાં કરવામાં આવી હતી. જેમાં આ મહિલાએ પુત્રને જન્મ આપ્યો હતો.
10 દિવસમાં ત્રીજી ઘટના છોટાઉદેપુર જિલ્લામાં થઈ છે, જેમાં મહિલાને ઝોળીમાં નાખીને દવાખાને પહોંચાડવામાં આવી છે. કવાંટ તાલુકાના પાડવાની અને ભૂંડમારીયા જ્યારે નસવાડી તાલુકાના ખેંદા ગામે ઘટના બની હતી. આરોગ્ય વિભાગની ટીમો ગામડાઓમાં સગર્ભા મહિલાઓની તપાસ કરતી નથી. જેનો આ વરવો નમૂનો છે. કારણ કે આરોગ્ય વિભાગ આશા વર્કર તેમજ ગામડાઓમાં આવેલા સબ સેન્ટરોમાં ફરજ બજાવતા કર્મચારીઓએ જે મહિલા સગર્ભા હોય અને તેને પ્રસુતિનો સમય આવે તે પહેલા દવાખાને ખસેડવાની હોય છે, પરંતુ આરોગ્ય વિભાગ આની કાળજી લેતું નથી. બીજી તરફ નસવાડી તાલુકાના અને કવાંટ તાલુકાના અનેક ગામડાઓમાં આઝાદીના વર્ષો પછી રસ્તાની સુવિધા નથી. ડુંગરની તળેટી વચ્ચે રહેતા આદિવાસી સમાજના લોકો જ્યારે બીમાર પડે ત્યારે ઝોલીમાં નાખીને સારવાર માટે લઈ જવું પડે છે. ચોમાસાના આ ચાર મહિના ભારે કઠણાઈવાળા હોય છે.
અમને નસવાડી તાલુકાના ગામો સાથે પાકા રસ્તાથી જોડી આપવામાં આવે તો અમને મુશ્કેલી ના પડે
અમારા ગામમાં પાકો રસ્તો નથી. અમારા સબંધીની મહિલાને પ્રસૂતિનો દુખાવો ઉપડતા બે કિલોમીટર ઝોળીમાં નાખીને મુખ્ય માર્ગ સુધી લાવ્યા હતા. અમારું ગામ નસવાડી તાલુકા lને અડીને આવેલું છે. અમને નસવાડી તાલુકાના ગામો સાથે પાકા રસ્તાથી જોડી આપવામાં આવે તો અમને મુશ્કેલી ના પડે
નારજીભાઈ ભીલ, સ્થાનિક, પાડવાની ગામ
આ મહિલાની તબિયત સારી છે, કવાંટ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર માં સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ અને નસવાડી તાલુકામાં મહિલાને ઝોળીમાં નાખીને પ્રસૂતિ માટે લાવવાની અઠવાડિયામાં ત્રીજી ઘટના બની છે. આ મહિલાની તબિયત સારી છે, કવાંટ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર માં સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે. આ મહિલાએ પુત્રને જન્મ આપ્યો છે આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ ચોમાસા માં ગામડાઓમાં જઈને સગર્ભા બહેનોની ચકાસણી કરશે અને જેને તાત્કાલિક સારવાર ની જરૂરિયાત હશે તેને નજીક ના સરકારી દવાખાનાઓમાં દાખલ કરવામાં આવશે
ભરતભાઈ, જિલ્લા આરોગ્ય અધિકારી, છોટાઉદેપુર