Nasvadi

કવાંટ તાલુકાના મોટી કડાઈ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 8 કર્મચારીઓ ગેરહાજર, કાર્યવાહી થશે

નસવાડી: કવાંટ તાલુકાના મોટી કડાઈ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓ ગેરહાજર હતા તેની તપાસ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા હાથ ધરતા આઠ કર્મચારીઓ ગેરહાજર હોવાનો ખુલાસો થયો હતો. તમામ ના જવાબો લેવામાં આવ્યા છે અને શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે જિલ્લા આરોગ્ય અધિકારીએ જિલ્લા વિકાસ અધિકારી ને રિપોર્ટ કર્યો છે.

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મોટી કડાઈ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલુ છે. જેમાં આઠ જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છ કવાંટ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની વિઝીટ લેતા તેમાં પટ્ટાવાળો દર્દીઓને દવા આપતો હતો. જેનો વિડિઓ વાયરલ થયો હતો. જેની તપાસ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા આર સી એચ ઓ મુકેશભાઈ પટેલ ને સોંપતા તેઓએ તમામના જવાબ લેતા આઠ કર્મચારીઓ ફરજ દરમિયાન હાજર ના હતા અને પટ્ટાવાળો દવાખાનું ચલાવતો હતો તેનો ખુલાસો થતા તમામ કર્મચારીઓના જવાબો લેવામાં આવ્યા હતા. તપાસ માં આવેલા તમામ જવાબોનો રિપોર્ટ જિલ્લા વિકાસ અધિકારીને મોકલી દેવામાં આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય વિભાગમાં ગુલ્લાં મારતા કર્મચારીઓમાં આ ઘટના બાદ ફફડાટ વ્યાપી ગયો છે. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે અને ગરીબીનું પ્રમાણ વધારે હોવાથી આદિવાસી સમાજના લોકો સરકારી દવાખાનામાં સારવાર માટે જતા હોય છે, ત્યારે દવાખાનાનો સ્ટાફ આ રીતના ગુલ્લાં મારે છે તેનો ખુલાસો થયો છે .છોટાઉદેપુર જિલ્લામાં 6 તાલુકામાં ઊંડાણના ગામડાઓમાં ચાલતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં અંધેર વહીવટના કારણે કર્મચારીઓ ગુલ્લાં મારીને સરકારના લાખો રૂપિયા પગાર મેળવી લે છે. જિલ્લા વિકાસ અધિકારી ગામડાઓમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ની તપાસ હાથ ધરે તે જરૂરી બન્યું છે.
ભરતભાઈ એમ ચૌહાણ, ઇન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ કવાંટ તાલુકાના મોટી કડાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં સ્ટાફ નર્સ ડેટા એન્ટ્રી ઓપરેટર તેમજ અન્ય કર્મચારીઓ મળીને આઠ જેટલા કર્મચારીઓના જવાબ લેવામાં આવ્યા છે. જેમાં કર્મચારીઓ ગેરહાજર હતા તેવો ખુલાસો થયો છે. હાલ તપાસનો અહેવાલ જિલ્લા વિકાસ અધિકારીને મોકલવામાં આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારીની સૂચના પ્રમાણે ગેરહાજર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top