કંવાટ: ગત રોજ કવાંટ તાલુકાના થડગામ જૂથ ગ્રામ પંચાયતના ગૈડેથા ગામે રાત્રે 2.30 કલાક દરમિયાન કાચા મકાનો ઉપર આકસ્મિક વીજળી પડવાથી પાંચ મકાનો સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયા છે. જ્યારે અન્ય કોઈ જાનહાની કે પશુહાની થઈ નથી. જેનો રિપોર્ટ થડગામ પંચાયતના તલાટી કમ મંત્રીએ કવાંટ તાલુકા પંચાયતમાં આપ્યો છે.

ગૈડેથા ગામે રાઠવા રમેશભાઈ ભંગળાભાઈ, રાઠવા કમલેશભાઈ ભંગળાભાઈ, રાઠવા ઈશ્વરભાઈ પુનિયાભાઈ, રાઠવા કંચનભાઈ પુનિયાભાઈ, રાઠવા શૈલેષભાઈ રમેશભાઈના મકાનો સંપૂર્ણ બળીને આગમાં ખાખ થઈ ગયા છે. થડગામ ગ્રામ પંચાયતના સરપંચ રાઠવા ગમલા ભાઈને વીજળી પડ્યા ની જાન થતા ગૈડેથા ગામે રાત્રે સ્થળ પર પહોંચી ગયા હતા. ફાયર વિભાગને આ આગ લાગ્યાની જાણ કરતા રાત્રે દરમિયાન ફાયર ફાઈટર આવી પહોંચ્યા હતા. પરંતુ આગ બેકાબુ બનતા સંપૂર્ણ પાંચે પાંચ મકાનો બળીને ખાખ થઈ ગયા હતા.
ગુજરાત રાજ્યનો અતિ પછાત એવો કવાંટ તાલુકો જે ત્રણ રાજ્યોની સરહદ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતનો સંગમ સ્થાન છે. ગુજરાતના અતિ પછાત તાલુકામાં કવાંટ તાલુકાના સમાવેશ થાય છે. કવાંટ તાલુકામાં કુલ 133 ગામનો સમાવેશ થાય છે. ત્યારે કવાંટમાં જ કોઈ ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાથી આ રીતના આકસ્મિક આગ લાગે છે, ત્યારે આગ પર કાબુ મેળવવા માટે છોટાઉદેપુરથી ફાયર ફાઈટર બોલાવવા પડે છે. જેને આવતા સમય લાગતાં આગમાં સંપૂર્ણ બળીને ખાખ થઈ જાય છે. છોટાઉદેપુર જિલ્લાની નવરચના બાદ કવાંટ તાલુકામાં પણ પ્રાધાન્ય મળશે અને ફાયર ફાઈટર જેવી સુવિધાઓ મળશે તેમ પ્રજાને હતું, પરંતુ આજ દિન સુધી કોઈપણ જાતની સુવિધા મળતી નથી . જેના કારણે આકસ્મિક આગ લાગતા તેને કાબુમાં લઈ શકાતી નથી .
ગૈડેથા ગામે આગ લાગતા સંપૂર્ણ પાંચ મકાનો બળીને ખાખ થઇ જતા મકાનના રહેવાસીઓને ચોધાર આંસુએ રડવાનો વારો આવ્યો છે કવાંટ તાલુકા વિકાસ અધિકારી દ્વારા છોટાઉદેપુર મામલતદાર ડિઝાસ્ટર શાખાને લેખિતમાં જાણ કરવામાં આવી છે