વડોદરા: ગોરવા વિસ્તારમાં રહેતો કળીયુગી પુત્ર પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમ મુકી આવ્યો હતો. ત્યારબાદ પિતાનું ઘર પણ કોઈને વેચી નાખ્યું હતું. દંપતી પૈકી પતિનું મોત થઇ જતા વૃદ્ધા એકલા પડી ગયા હોય પુત્ર માતાને લઇ આવ્યો હતો અને વિસ્તારમાં છોડી મુક્યા હતા. જેથી વૃદ્ધા દર દર ભટકીને જીવન ગુજારતા અને મંદિરના ઓટલા પર પડી રહેતા હતા. જેથી કોઈને અભયમને જાણ કરતા ટીમે તેમનું કાઉન્સેલિંગ કરીને સખીવન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવ્યો હતો.
છેલ્લા ચાર દિવસોથી લગભગ ૬૦ વર્ષના વૃદ્ધા ગોરવા વિસ્તારમાં આવેલા દશા માતાના મંદિરના ઓટલા પર પડી રહે છે એવી કોઈ જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમને જાણ કરી હતી. જેથી અભયમની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વૃદ્ધ મહિલાનું અસરકારક કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે મહિલાના પરિવારમાં તેમના પતિ અને દીકરો હતા. આજથી છ વર્ષ પહેલા દીકરો માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો હતો. તેમનું ઘર કોઈ થર્ડ પાર્ટીને દસ્તાવેજ વગર કરી વેચી નાખ્યું હતું. વૃદ્ધાશ્રમમાં વર્ષ પહેલા તેમના પતિનું અવસાન થયું હતું. તેથી વૃદ્ધા એકલા પડી ગયા હોય અને ખૂબ મૂંઝવણમાં રહેતા હતા. આજથી બાર દિવસ પહેલા વૃદ્ધાનો દીકરો વૃદ્ધાશ્રમમાંથી માતાને લઈ આવીને ગોરવા વિસ્તારમાં છોડી દીધી હતી. તેથી છેલ્લા ચાર દિવસથી વૃદ્ધા દશા માતાના ઓટલા પર રહેતા હતા અને જે કોઈ જમવાનું આપે તો ખાતા હતા. તેમનો દીકરો ક્યાં રહે છે કે શું કરે છે તેની કોઈને જાણ નહોતી. તેથી તેઓ પહેલા રહેતા હતા તે સોસાયટીમાં રહેતા જાગૃત નાગરિક તેમને પોતાના ઘરે લઈ ગયા હતા. વૃદ્ધ મહિલા આ જ સોસાયટીમાં રહેતા હોય અને ખૂબ જ ધાર્મિક જીવન જીવતા હોય તેથી આખી સોસાયટીવાળા તેમને ઓળખે છે. હાલ તેમનું ઘર ખરીદનાર લોકો રહેવા આવી મહિલાને માટે કોઈ ઘર નથી. વૃદ્ધ મહિલાના પિયર પક્ષે પણ કોઈ નથી. આથી અભયમને જાણ કરતા વૃદ્ધ મહિલાનો અસરકારક કાઉન્સિલિંગ કરી સાંત્વના આપી હતી અને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવ્યો હતો.