ગુજરાત વહીવટી સુધારણા પંચના અહેવાલમાં નાગરિકો માટે ટોકન સિસ્ટમની ભલામણ
વડોદરા: રાજ્ય સરકારની જનહિતકારી સેવાઓ હવે વધુ આધુનિક અને પારદર્શક થવાનો માર્ગ પ્રસસ્ત થયો છે. ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)ના પાંચમા અહેવાલમાં કલેક્ટર અને મામલતદાર કચેરીઓ સહિતના જનસેવા કેન્દ્રોમાં નાગરિકોને લાંબી લાઈનમાં ઊભાં રહેવાની જરૂર ન રહે તેવી સુવિધા લાગુ કરવા ભલામણ કરવામાં આવી છે. આ અહેવાલ તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપવામાં આવ્યો હતો.
પંચે પોતાના અહેવાલમાં સૂચવ્યું છે કે હવે નાગરિકોને કલેક્ટર અથવા મામલતદાર કચેરીમાં કોઈ કામ માટે જવું હોય તો તેમણે પહેલેથી ટોકન નંબર ઓનલાઈન અથવા સેવા કેન્દ્ર મારફતે મેળવવો પડશે. પછી SMS દ્વારા મળેલા દિવસ અને સમય પ્રમાણે તેઓને કચેરીએ જવાનું રહેશે. આ રીતે સમયસર અને સુનિશ્ચિત વ્યવસ્થા થવાથી નાગરિકોને લાંબા સમય સુધી રાહ જોવાની કે આમતેમ ભટકવાની જરૂર રહેશે નહીં.
અહેવાલ પ્રમાણે આ નવી સિસ્ટમ આરટીઓ કચેરીઓ, ખાનગી સંસ્થાઓ અને બેંકોમાં પ્રચલિત એપોઈન્ટમેન્ટ સિસ્ટમની જેમ જ કાર્ય કરશે. પંચે સૂચન કર્યું છે કે રાજ્યના દરેક કલેક્ટર અને મામલતદાર કચેરીઓને અલ્ટ્રા-મોડર્ન જનસેવા કેન્દ્રોમાં ફેરવવામાં આવે, જ્યાં દરેક પ્રક્રિયા ડિજિટલી ટ્રેક કરી શકાય અને નાગરિકોને સમયસર સેવા મળી રહે.
વહીવટી સુધારણા પંચે પોતાના અહેવાલમાં આ સુધારણાને “નાગરિક સુખાકારી કેન્દ્રિત વહીવટ” તરફનો મોટો પગલું ગણાવ્યું છે. અહેવાલમાં સ્પષ્ટ કરાયું છે કે આ સુધારણા અમલમાં આવ્યા પછી નાગરિકોના સમય અને નાણાનો બિનજરૂરી વ્યય અટકશે અને સરકારની સેવાઓમાં વધુ વિશ્વાસ તથા કાર્યક્ષમતાનો વિકાસ થશે.
સુધારણા પંચની મુખ્ય ભલામણો…
૧)ઓટોમેટેડ ક્યૂ મેનેજમેન્ટ સિસ્ટમ: ટોકન અને સ્માર્ટ એલર્ટથી ક્રમ નંબરની જાણ થશે; નાગરિકોને લાઈનમાં ઊભાં રહેવાની જરૂર નહીં પડે.
૨)સિંગલ વિન્ડો સિસ્ટમ: એક જ વિન્ડોમાંથી બહુવિધ સેવાઓની પ્રક્રિયા પૂરી થશે; નાગરિકોને અલગ-અલગ બારીઓએ ભટકવું નહીં પડે.
૩)માર્ગદર્શન ડેસ્ક: જનસેવા કેન્દ્રના પ્રવેશદ્વાર પર માર્ગદર્શન ડેસ્ક ઉભી રહેશે, જ્યાં પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજોની માહિતી મળશે.
૪)એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ વર્કફ્લો: અરજીથી લઈને મંજૂરી અને ડોક્યુમેન્ટ ડિલિવરી સુધીની પ્રક્રિયા ડિજિટલ રીતે થશે; અરજીની સ્થિતિ ઓનલાઈન જોવા મળશે.
૫)લેસ પેપર–મોર ફેસિલિટીઝ: એક જ પ્રમાણિત ફોર્મ ઉપયોગમાં લાવાશે; અનાવશ્યક દસ્તાવેજો તથા સ્ટેમ્પ પેપરની જરૂર દૂર થશે.