Vadodara

કલેક્ટર કચેરીનો મોટો છબરડો, પ્રજાસત્તાક દિનના નિમંત્રણ પત્રમાં ‘સ્વતંત્રતા દિવસ’ લખાયું

પ્રજાસત્તાક પર્વ અને સ્વતંત્રતા દિવસ વચ્ચેનો તફાવત ભૂલ્યું તંત્ર

(પ્રતિનિધિ), વડોદરા. તા.27

સરકારી બાબુઓની બેદરકારી ક્યારેક હાસ્યાસ્પદ હોય છે, પણ જ્યારે વાત રાષ્ટ્રીય પર્વની ગરિમાની હોય ત્યારે તે ગંભીર ગુનો બની જાય છે. વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા 77મા પ્રજાસત્તાક દિનના નિમંત્રણ પત્રિકામાં જે ‘ઐતિહાસિક’ ભૂલ જોવા મળી છે, તેણે સમગ્ર રાજ્યમાં વડોદરા વહીવટી તંત્રની આબરૂના ધજાગરા ઉડાડ્યા છે. આ ભૂલ નહીં, રાષ્ટ્રીય પર્વનું અપમાન. 26 જાન્યુઆરી એટલે ભારતનું બંધારણ અમલમાં આવ્યું તે ‘પ્રજાસત્તાક દિન’. પરંતુ કલેક્ટર કચેરી દ્વારા વહેંચવામાં આવેલી સત્તાવાર પત્રિકામાં તેને ‘સ્વતંત્રતા દિવસ’ (15 ઓગસ્ટ) તરીકે છાપવામાં આવ્યો છે. એક તરફ સરકાર દેશભક્તિના મોટા કાર્યક્રમો પાછળ લાખોનો ધુમાડો કરે છે, અને બીજી તરફ જવાબદાર અધિકારીઓને એ પણ ખબર નથી કે તેઓ કયો રાષ્ટ્રીય તહેવાર ઉજવી રહ્યા છે. આ ગંભીર છબરડાને કારણે અનેક સવાલો ઉભા થાય છે, શું ઓગસ્ટ મહિનાની પત્રિકાને માત્ર તારીખ બદલીને બેઠું ‘કોપી’ કરી દેવામાં આવ્યું ? પત્રિકા છપાયા પછી જ્યારે હજારોની સંખ્યામાં વહેંચાઈ, ત્યાં સુધી શું કોઈ ક્લાસ-1 અધિકારીની નજર આ મોટી ભૂલ પર ન પડી ? કલેક્ટરના નામે બહાર પડતા પત્રમાં આવી ગંભીર ક્ષતિ એ વહીવટી તંત્રની બૌદ્ધિક ક્ષમતા સામે સવાલ ઉઠે છે. રાષ્ટ્રીય પર્વના નામમાં છબરડો એ માત્ર પ્રિન્ટિંગ ભૂલ નથી, પણ વહીવટી તંત્રની નરી બેદરકારી અને રાષ્ટ્રીય અસ્મિતા પ્રત્યેની ઉદાસીનતાનો પુરાવો છે. નિમંત્રણ કાર્ડની તસવીરો વાયરલ થતા જ લોકો તંત્રની આકરી ઝાટકણી કાઢી છે. લોકો સવાલ કરી રહ્યા છે કે, “શું વડોદરામાં ભણેલા-ગણેલા અધિકારીઓની અછત સર્જાઈ છે ?” વહીવટી તંત્ર હવે આ મામલે કોનો ‘બલી’ ચઢાવશે અને આ ગંભીર ભૂલને કેવી રીતે ઢાંકશે તે જોવું રહ્યું.

Most Popular

To Top