પૂર્વ સૂચના વિના લોકસભામાં ખરડો પસાર કરાતા પેન્શનરોમાં ભારે રોષ
જૂના પેન્શનરોને આર્થિક નુકસાનની ચેતવણી, સરકારને ખરડો પાછો ખેંચવાની માંગ
(પ્રતિનિધિ), વડોદરા, તા. ૨૫
કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં લાવવામાં આવેલા ‘માન્યતા અધિનિયમ–૨૦૨૫’ના વિરોધમાં દેશભરના પેન્શનરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ કાયદાના વિરોધમાં આજે All India State Pensioners Federationના બેનર હેઠળ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીએ પેન્શનરો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.

ફેડરેશનના પ્રતિનિધિઓએ આક્ષેપ કર્યો હતો કે તા. ૨૫ માર્ચ, ૨૦૨૫થી અમલમાં આવેલા આ કાયદા દ્વારા સરકારને પેન્શનરોમાં વર્ગીકરણ કરવાનો અધિકાર મળી ગયો છે. જેના કારણે નિવૃત્તિની તારીખના આધારે પેન્શનના હક્કોમાં ભેદભાવ ઊભો થવાનો ખતરો સેવાઈ રહ્યો છે.

પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ આ કાયદો કોઈપણ પૂર્વ સૂચના વિના Lok Sabhaમાં નાણા બિલના ભાગરૂપે પસાર કરવામાં આવ્યો હતો, જે લોકશાહી મૂલ્યોના વિરુદ્ધ હોવાનું તેઓએ જણાવ્યું હતું.
ગુજરાત રાજ્ય પેન્શન સંકલન સમિતિના ઉપપ્રમુખ રાજેશ પટેલે જણાવ્યું હતું કે “આ વેલિડેશન એક્ટના કારણે જૂના પેન્શનરોને મોટું આર્થિક નુકસાન થવાની શક્યતા છે. આ કાયદાને કારણે પેન્શનરો આઠમા પગાર પંચની ભલામણોના લાભોથી પણ વંચિત રહી શકે છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સરકારને પોતાની મરજી મુજબ ફેરફાર કરવાની સત્તા આપવામાં આવતા પેન્શનરોનું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે.

આ કાયદાના વિરોધમાં દેશભરના પેન્શનરો દ્વારા આજે ‘કાળો દિવસ’ મનાવવામાં આવ્યો હતો. વડોદરા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થયેલા પેન્શનરોએ સૂત્રોચ્ચાર કરી સરકારને આ ખરડો તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી હતી. સાથે જ ચેતવણી આપવામાં આવી હતી કે માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આવનારા સમયમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.