ગુજરાત હાઇકોર્ટ વડોદરા કલેક્ટરને ભોગ બનનાર પિડિતોની વિગતો રજૂ કરવાનો આદેશ કર્યો હતો
વિગતો મેળવ્યા બાદ વળતરની રકમ કલેકટર દ્વારા નક્કી કરવા અને કોટિયા પ્રોજેક્ટના માલીકોને આ રકમ ચૂકવવા આદેશ આપ્યો હતો
દેશભરમાં ચકચાર જગાવનારા વડોદરાના હરણી બોટ કાંડનો ભોગ બનેલા પ્રત્યેક 12 માસૂમ બાળકોને રૂપિયા 31,75,700 (એકત્રીસ લાખ પંચોતેર હજાર અને સાતસો રૂપિયા) વળતર ચૂકવા તથા ભોગ બનેલી 2 શિક્ષીકાઓ પૈકી એકને રૂ. 11,21,900 (અગિયાર લાખ એકવીસ હજાર નવસો રૂપિયા )તથા બીજી શિક્ષીકાને 16,68,029 (સોળ લાખ અડસઠ હજાર ઓગણત્રીસ રૂપિયા) ચૂકવવા તથા 2 ઇજાગ્રસ્તને 50 હજાર ચૂકવવાનો કોન્ટ્રાક્ટર કોટિયા પ્રોજેક્ટને વડોદરાના નાયબ કલેક્ટરે આદેશ કર્યો છે. આ આદેશ અંગે પીડિતોના વકીલ હિતેશ ગુપ્તાએ પોતાની પ્રતિક્રીયા આપી હતી કે, હાલ આદેશ જોતાં અમને બિલકુલ સંતોષ નથી પણ નાયબ કલેક્ટરે ક્યા આધારે અને કોને જવાબદાર ઠેરવ્યા છે ?તથા અમારી કઇ રજૂઆતોને માન્ય રાખી છે તે તમામ પાસાની જાણકારી મેળવ્યા બાદ અમે આગામી રણનીતિ નક્કી કરીશું.
અત્રે ઉલ્લેખનિય છે કે 1 વર્ષ અગાઉ 18 જાન્યુઆરી 2024ની બપોરે વડોદરા શહેરના વાઘોડીયા રોડ સ્થિત ન્યુ સનરાઇઝ સ્કુલના બાળકોને પ્રવાસે અર્થે હરણી લેક ઝોન ખાતે લઇ જવામાં આવ્યા હતા. હરણી લેકમાં બોટની ક્ષમતા કરતા વધારે બેસાડી આખી બોટ પલ્ટી જતા 12 ભુલકાઓ અને 2 શિક્ષિકાઓએ જીવ ગુમાવ્યો હતો.કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરોના ભ્રષ્ટાચારના કારણે આ માસૂમોનો ભોગ લેવાયો હતો.ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટ સુધી મામલો પહોંચ્યો હતો અને કોર્ટના આદેશ બાદ મામૂલી તપાસ કરાઇ હતી અને સાથે સાથે મૃતકોના પીડિતોના પરિવારને વળતર માટે પણ નાયબ કલેક્ટર સમક્ષ રોજે રોજ સુનાવણી શરુ કરાઇ હતી.
નાયબ કલેક્ટરની કોર્ટમાં પીડિતોના વકીલ હિતેશ ગુપ્તાએ તમામ મૃતક બાળકોને 5 કરોડનું વળતર મળે તથા શિક્ષિકાઓને તેમના પગાર મુજબનું વળતર મળે તે માટે રજૂઆતો કરી હતી. સુનાવણીમાં જ્યારે શાળા સંચાલકોએ લુચ્ચાઇ દાખવીને મૃત શિક્ષિકાઓની સહી સાથે ચેડાં કરીને બનાવાયેલું પગાર પત્રક રજૂ કર્યું હતું જેથી સમગ્ર મામલો બહાર આવતા પીડિત પરિવારોએ રાવપુરા પોલીસમાં અરજી કરી હતી. અને શાળા સંચાલકો સામે પગલાં લેવાની માંગ કરી હતી.દરમિયાન નાયબ કલેક્ટરે આજે વળતર અંગેનો ચૂકાદો આપ્યો છે. નાયબ કલેક્ટરે 12 નિર્દોષ બાળકોના પ્રત્યેક પરિવારને રૂપિયા 31,75,700 નું વળતર ચૂકવા આદેશ ક્યો હતો જ્યારે 2 મૃતક શિક્ષીકા પૈકી એક છાયાબેન હિતેન્દ્રભાઇ સુરતી ને રૂ.11,21,900 અને ફાલ્ગુનીબેન મનીષભાઇ પટેલ ને રૂ. 16,68,029 ચૂકવવા આદેશ ક્યો હતો જ્યારે બે ઇજાગ્રસ્ત જેમાં સુફિયા શૌકતભાઇ શેખ તથા સ્વાતિ રામકિશન હિઝલીને 50-50 હજારનું વળતર આપવા ચૂકાદો આપ્યો હતો. ઉપરાંત. નક્કી થયેલી વળતરની રકમ પર જાહેર હિતની અરજી દાખલ તારીખથી વસૂલ થતાં સુધીના સમયગાળા માટે વાર્ષિક 9 ટકાના વ્યાજ સાથે વળતરની રકમ ચૂકવવા નો સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ અને નાયબ કલેકટર વી.કે. સાંબડ નાઓએ આદેશ આપ્યો હતો.

અમને આ વળતરથી બિલકુલ સંતોષ નથી.
કોર્ટનો ચૂકાદાનો અભ્યાસ કરીશું અમારી માગણી તો તથ્યો સાથેની વધારે વળતર મળે તેની છે. આ સામાન્ય અકસ્માત ન હતો પણ પાલિકા અને કોન્ટ્રાક્ટરોના ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે. તેથી અમને આ વળતરથી બિલકુલ સંતોષ નથી. નાયબ કલેક્ટરે આ ચૂકાદો ક્યા આધારે આપ્યો છે અને કોને જવાબદાર ઠેરવ્યા છે તથા અમારી કઇ રજૂઆત ગ્રાહ્ય રખાઇ છે તેની ચકાસણી કર્યા બાદ આગળની કાર્યવાહી કરીશું
–એડવોકેટ હિતેશ ગુપ્તા,પિડિતો તરફેના વકીલ
